Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

બ્‍લડ પ્રેશરના યોગ્‍ય ઉપચારથી રોકી શકાય છે ઘણી ગંભીર બિમારીઓ

આજે વર્લ્‍ડ હાઈપર ટેન્‍શન- ડે

અમદાવાદઃ વિશ્વભરમાં બ્‍લડ પ્રેશર એક મોટી સમસ્‍યા બનતી જાય છે. નિષ્‍ણાંતોનું માનીએ તો જો બ્‍લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં આવે તો હાર્ટએટેક, લકવા, કીડની અને આંખ સંબંધિત ૪૦ ટકા કેસ ઘટી શકે છે. આ ચારે તકલીફ સાથે બીપીનો ડાયરેકટ સંબંધ છે.

અમદાવાદના સુપ્રસિધ્‍ધ ન્‍યુરોલોજીસ્‍ટ ડો.સુધીર શાહનું કહેવું છે કે દેશ અને દુનિયામાં માત્ર બીપીને નિયંત્રણમાં રાખીને સ્‍ટ્રોકના કેસ ૪૦ ટકા ઘટાડી શકાય છે.

આવી જ રીતે હાર્ટએટેક, કીડનીના રોગ અને આંખના હેમરેજ જેવા કેસો પણ ૪૦ ટકા ઓછા કરી શકાય છે. તેમનું  કહેવું છે કે થોડા પ્રયાસો અને દવાઓથી બીપીને નિયંત્રણમાં રાખી શકાય છે.

સૌથી વધારે મુશ્‍કેલી ત્‍યારે આવે છે જયારે બીપી વધારે હોવાની સાબિતી મળ્‍યા પછી  પણ લોકો તેને નિયંત્રીત નથી કરી શકતા. એકવાર દવા શરૂ કર્યા પછી ડોકટરની સલાહ વગર વચ્‍ચે વચ્‍ચે તેને છોડી દેવી ગંભીર બાબત છે. આવા મોટાભાગના દર્દીઓને હાર્ટએટેક, કીડની સંબંધિત બિમારી અથવા તો લકવો થવાની શકયતા વધી જાય છે.

અમદાવાદના જાણીતા કીડની સ્‍પેશ્‍યાલીસ્‍ટ (નેફ્રોલોજીસ્‍ટ) ડો.પંકજ શાહનું કહેવું છે કે કીડની ફેઈલ થવાનું સૌથી મોટું કારણ હાઈપર ટેન્‍શન છે. કીડનીના ૧૦૦માંથી ૪૦ દર્દીઓમાં બીપી જોવા મળે છે. તેમનું કહેવું છે કે થોડીક સાવધાની રાખવામાં આવે તો બીપીની તકલીફથી છૂટકારો મેળવી શકાય છે.

નસકોરાથી વધી શકે છે બીપી

યુએન મહેતા હોસ્‍પીટલ અમદાવાદના હાર્ટ સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો.કમલ શર્મા કહે છે કે ઊંઘ નસકોરાના કારણે બીપી વધવાની શકયતા રહે છે. શ્વાસમાં અવરોધના કારણે બીપી વધવાની શકયતા રહે છે. હાર્ટએટેકના ૨૫ થી ૩૫ ટકા દર્દીઓને આ તકલીફ હોય છે.

બીપી સાથે ડાયાબીટીઝ વધુ ઘાતક

ઈન્‍ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશનના મંત્રી અને નેફ્રોલોજીસ્‍ટ ડોકટર વિવેક કુટે અનુસાર બીપીની સાથે ડાયાબીટીઝ હોવું ઘાતક છે. વિશ્વમાં કીડની ફેઈલ્‍યોરના ૫૦ ટકા દર્દીઓનું કારણ બીપી છે. ડાયાલીસીસ કરાવનાર દર્દીઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે.

(3:21 pm IST)