Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

વીરનગરના શિક્ષક અને જંગવડના વતની દેવકુબેન દાદભાઇ બોરીચાને ચિત્રકૂટ એવોર્ડ એનાયત

(કરશન બામટા દ્વારા)આટકોટ,તા. ૧૭: ભાવનગર જિલ્લાના તલગાજરડા મુકામે દર વર્ષે પરમ પૂજય સંત શ્રી મોરારીબાપુના હસ્‍તે સમગ્ર રાજયના શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ પારિતોષિકથી સન્‍માનિત કરવામાં આવે છે. જેમાં દરેક જિલ્લામાંથી એક શિક્ષકની પસંદગી કરવામાં આવે છે.વર્ષ ૨૦૨૧/૨૨ માટે રાજકોટ જિલ્લાના દેવકુબેન દાદભાઈ બોરીચાને આ પારિતોષિક એનાયત થયો.તેઓ જંગવડ ગામના વતની છે અને જસદણ તાલુકાની વીરનગર પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

તલગાજરડા મુકામે પૂજય સંત શ્રી મોરારિબાપુના હસ્‍તે રાજય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ની હાજરીમાં દેવકુબેન બોરીચાને ચિત્રકૂટ પારિતોષિક એનાયત કરવામાં આવ્‍યો.

દેવકુબેન બોરીચા ધોરણ ૬ થી ૮ માં ભાષા શિક્ષક તરીકે ઉમદા ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણકાર્યની સાથે સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓના જીવનઘડતર માટે તેઓ કાર્યરત છે. ભાષા શિક્ષણમાં તેઓ નવતર પ્રયોગો કરી વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ દ્‍ઢ કરવા માટે ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમના મતે ફક્‍ત અભ્‍યાસક્રમ પૂરો કરવો એ શિક્ષણ કાર્ય નથી. વિદ્યાર્થીઓની જરૂરીયાત પ્રમાણે મૂળાક્ષરોથી શરૂઆત કરવી પડે તો પણ તેઓ હંમેશા તત્‍પર રહે છે. દરેક શાળાની પરિસ્‍થિતિ અને દરેક બાળકની શિક્ષણની જરૂરિયાત અલગ હોય છે. એને પિછાણીને હિંમત હાર્યા વગર તેઓ સતત પ્રવૃત્તિશીલ રહે છે.

શ્રી દેવકુબેન બોરીચાને વર્ષ ૨૦૨૧ માટે રાજય સરકાર તરફથી તાલુકા શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક પણ મળેલ છે. આ ઉપરાંત vtv તરફથી પણ બેસ્‍ટ ટીચર એવોર્ડ તેમણે મેળવેલ છે.

ગુજરાતી વ્‍યાકરણમાં વિદ્યાર્થીઓની સજ્જતા વધે એ માટે તેઓ પોતાની યુ ટ્‍યુબ ચેનલમાં ગુજરાતી વ્‍યાકરણના બેસ્‍ટ વિડિયો મૂકે છે.તેઓ કાવ્‍ય લેખનનો શોખ ધરાવે છે. બાળ સાહિત્‍યના પુસ્‍તકમાં તેમણે સહલેખક તરીકેની કામગીરી કરેલ છે.

દેવકુબેન બોરીચાને ચિત્રકૂટ પારિતોષિક મળતા તેમના વતન જંગવડ તથા કાર્યક્ષેત્ર વીરનગરમા હર્ષની લાગણી છવાઈ ગઈ છે.

(11:01 am IST)