Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

તાઉ’તે વાવાઝોડું સાંજે 5-00 વાગ્યાની સ્થિતિએ: રાજ્યસ્તરે રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમની રચના: વાવાઝોડાના કારણે નુકસાનીની ઘટનાઓને ત્વરિત પહોંચી વળવા-નિકાલ લાવવા રાજ્ય સરકારનો ખાસ એક્શન પ્લાન ઘડાયો : અધિક મુખ્યસચિવ પંકજ કુમાર

તાઉ'તે વાવાઝોડાને ગંભીરતાથી લઈએ: રાત્રે 8થી 11 વચ્ચે પોરબંદરથી મહુવા વચ્ચે ટકરાવાની સંભાવના : 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સતત માર્ગદર્શન હેઠળ તમામ સરકારી વિભાગો દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓનું 24x7 મોનિટરિંગ: 17 જિલ્લાનાં 840 ગામડાંમાંથી બે લાખ નાગરિકોને 2045 સલામત આશ્રયસ્થાનો પર સ્થળાંતરિત કરાયા:સૌથી વધુ પ્રભાવિત પોરબંદર, જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી અને ભાવનગરના 1.25 લાખ કરતાં વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા: દરિયામાંથી 19811 માછીમારો પરત બોલાવી લેવાયા: 11 હજારથી વધારે અગરિયાઓને સુરક્ષિત સ્થળે લઈ જવાયા : ગુજરાતની એક પણ બોટ હાલ દરિયામાં નહીં

અમદાવાદ : ‘તાઉ'તે’ વાવાઝોડા અંગે વિગતો આપતા રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે હવામાન ખાતાની તાજેતરની આગાહી મુજબ તાઉ'તે વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી લીધું છે અને તે ગુજરાતની ખૂબ નજીક પહોંચી ગયું છે. સાંજે ચાર વાગ્યાની સ્થિતિએ ‘તાઉ’તે’ વેરાવળથી દક્ષિણ-પૂર્વમાં 220 કિમી દૂર છે અને તે 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે રાત્રે 8 થી 11 વાગ્યા વચ્ચે દિવથી 20 કિમી પૂર્વમાં આવી પહોંચશે અને પોરબંદરથી મહુવા વચ્ચે ટકરાવાની સંભાવના છે. આ સમયે તેની ગતિ 155થી 165 કિમી પ્રતિ કલાકની હોવાનો અંદાજ છે.

શ્રી પંકજ કુમારે જણાવ્યું કે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના પગલે આવતીકાલ સુધી વલસાડથી દિવ સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગિરસોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અત્યંત તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ભરુચ, આણંદ, બોટાદ, ખેડા, મોરબી, દક્ષિણ અમદાવાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે.
તેમણે ઉમેર્યું કે હવામાન ખાતા દ્વારા આ વાવાઝોડાની આગાહી કરવામાં આવી, તે જ દિવસથી રાજ્યમાં ઝીરો કેઝ્યુલિટીના નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠકો શરૂ કરી ઓછામાં ઓછું નુકસાન થાય, તે પ્રકારની તૈયારીઓ કરી છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો પણ સતત સહયોગ અને માર્ગદર્શન મળી રહ્યા છે. હાલ વહીવટી તંત્રની તૈયારીઓ મહદંશે પૂર્ણ થઈ ચૂકી છે. મુખ્યમંત્રીના સતત નિદર્શન અને માર્ગદર્શન હેઠળ તમામ સરકારી વિભાગો સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 24x7 સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તે ઉપરાંત, પ્રભાવિત થનારા જિલ્લાઓમાં પ્રભારીમંત્રીશ્રીઓ દ્વારા પ્રભારી સચિવની સાથે પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી, જરૂરી સૂચનો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ જિલ્લાઓમાં એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીઓ દ્વારા પણ સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે.
આવશ્યક બચાવના પગલાં અંગે વિગતો આપતા તેમણે કહ્યું કે રાજ્યમાં 668થી વધુ હંગામી બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે 11 હજારથી વધુ હોર્ડિંગ્સ તાત્કાલિક અસરથી ઉતારી લેવામાં આવ્યા છે. સ્થળાંતર, બચાવ અને રાહતની કામગીરી માટે NDRFની 44 ટુકડીઓ, SDRFની 10 ટુકડીઓ તેમજ સ્થાનિક પોલીસ, હોમગાર્ડ્સ તથા ગ્રામરક્ષકદળ અને ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 234 વીજપોલ, 66 વૃક્ષ પડી ગયાં છે, જ્યારે કેટલાંક કાચાં મકાનોને નુકસાન થયું છે. આ સિવાય, છ જેટલા બંધ થઈ ગયેલા રસ્તાઓને પુન: શરૂ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં ભારે પવનના કારણે કુલ 629 સ્થળે વીજપુરવઠો ખોરવાયાની ફરિયાદો મળી હતી. જે પૈકી 474 ફરિયાદોનો નિકાલ કરી પુરવઠો પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે. આ પ્રકારની નુકસાનીની ઘટનાઓને ત્વરિત પહોંચી વળવા અને તેનો નિકાલ લાવવા રાજ્ય સરકારે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમ-RRRની રચના કરી આ પ્રકારની ઘટનાઓનો ત્વરિત નિકાલ કરવા સૂચનાઓ અપાઈ છે. આ ટીમમાં 661 વીજ ટુકડીઓ, માર્ગ અને મકાન વિભાગની 287 ટુકડીઓ, વનવિભાગની 276 ટુકડીઓ અને મહેસૂલ વિભાગની 367 ટુકડીઓનો સમાવેશ થાય છે. જ્યારે પશ્ચાદવર્તી અસર માટે 492 ડી-વૉટરિંગ પંપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
 પંકજ કુમારે વધુમાં ઉમેર્યું કે રાજ્યકક્ષાના કંટ્રોલરૂમ ખાતે સચિવ કક્ષાના અધિકારી તથા તમામ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા તેમની ટીમ દ્વારા પ્રભાવિત જિલ્લાઓની પળેપળની સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 108-GVKના અધિકારીઓને પણ સતત ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત, જિલ્લાકક્ષાએ કાર્યરત્ કરાયેલા કંટ્રોલરૂમ ખાતે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવાઈ રહ્યો છે. રાજ્યકક્ષાના કંટ્રોલરૂમ ખાતે સેટેલાઇટ ફોન ઉપરાંત હેમ રેડિયો સહિતના વિવિધ સંચારમાધ્યમોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ વિસ્તારમાં કોમ્યુનિકેશન ખોરવાઈ, તો આ માધ્યમો દ્વારા સ્થાનિક પરિસ્થિતિની વિગતો અને તેના આધારે આવશ્યક પગલાં લઈ શકાય.
તેમણે ઉમેર્યું કે દરિયાકાંઠાના સંભવિત અસર પહોંચનારા જિલ્લાઓમાં નાગરિકો કે પશુઓની જાનહાનિ ન થાય, તે માટેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે તમામ વિસ્તારોમાં સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પૂર્ણતાના આરે છે. અત્યાર સુધીમાં સંભવિત અસરગ્રસ્ત 17 જિલ્લાના 840 ગામડાંમાંથી બે લાખ નાગરિકોને અલગ-અલગ 2045 આશ્રયસ્થાનો પર સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ પ્રભાવિત પાંચ જિલ્લા-પોરબંદર, જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી અને ભાવનગર ખાતેથી 1.25 લાખ કરતાં વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતની એક પણ બોટ હાલ દરિયામાં નથી. દરિયામાંથી 19811 માછીમારો પરત આવી ગયા છે. જ્યારે 11 હજારથી વધારે અગરિયાઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, આરોગ્ય વિભાગની 531 ટીમ તથા 1471 સ્થળે પાવર બેકઅપની આગોતરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. એટલુ નહી આ વિસ્તારોમા નાગરિકોને આકસ્મિક સારવાર પૂરી પાડવા માટે 174 આઈસીયુ ઓન વ્હીલ્સ અને 624 જેટલી 108 એબ્યુલન્સ ઉપલબ્ધ કરીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંબંધિત જિલ્લાઓમાં કોઈ પણ દર્દીને દવાની અગવડ ઊભી ન થાય, તે માટે દવાનો પૂરતો જથ્થો પણ પહોંચાડી દેવામાં આવ્યો છે. કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા વધુ ત્રણ દિવસ સુધી ચાલે તેટલો ઓક્સિજનનો પુરવઠો અલાયદો રાખવામાં આવ્યો છે. જ્યારે જરૂરિયાતના સમયે ઑક્સિજનનું સરળતાથી વહન થાય તે માટે ગ્રીન કોરિડોરના રસ્તામાં કોઈ અડચણ ન આવે તે માટે 58 જેટલી વધારાની ટીમ તૈનાત કરવામાં આવી છે.
રાજ્યના તકેદારી માટે અપીલ કરતાં અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે નાગરિકોએ ઘરની બહાર નીકળવું નહીં, જો તેઓ કોઈ અસલામત સ્થળે હોય તો તાત્કાલિક કોઈ સલામત સ્થળે પહોંચી જવું અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓને અનુસરીને તેમને સહકાર આપવો.

(7:16 pm IST)
  • રાજકોટ : નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ રાજકોટમાં આજે સવારે રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો : ભૂકંપ 03:37:18 વાગ્યે સવારે રાજકોટથી દક્ષિણમાં 10 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. access_time 9:27 am IST

  • વાવાઝોડાની ઇફેક્ટ : જૂનાગઢ ના ચોરવાડ માં અતિભારે ફૂંકાતા પવનને કારણે નારીયેલીના ઝાડ પડતા 2 માળ નું મકાન થયું ઘરાશાઈ access_time 11:46 pm IST

  • તૌકતે ઇફેક્ટ : ગીરસોમનાથ જિલ્લાના તલાળામાં એક મોબાઈલ ટાવર ધરાશાયી થવાના સમાચાર આવ્યા છે. દયાનંદ સોસાયટીમાં અગાશી પર લગાવેલા મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. ચક્રવાતના ભારે પવનના કારણે મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. સદનસીબે કોઈ જ જાનહાનિના સમચાર આવ્યા નથી. access_time 1:40 am IST