Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ફેક્ટરીના ટોયલેટથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

સુરતના ઓલપાડ વિસ્તારમાં બનેલી ઘટના : ફેકટરીના મેનેજરે અંતે પોલીસમાં ફરિયાદ કરી : પોલીસે અજાણી મહિલાને શોધવા માટેના ચક્ર ગતિમાન કરી દીધા

અમદાવાદ,તા.૧૭ : સુરતના ઓલપાડના કરમલા ગામે આવેલી યાર્નની ફેક્ટરીમાં એક ગર્ભવતી મહિલા દ્વારા નવજાત બાળકીને મરણ ગયેલી હાલતમાં ટોયલેટના ટબમાં તરછોડી દેવાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જેથી આ આ સમગ્ર ઘટનામાં ફેક્ટરીના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકીને તરછોડી ગયેલી મહિલાની તપાસ હાથ ધરી છે.આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ઓલપાડ તાલુકાના કરમલા ગામે આવેલ શબનમ પેટ્રોફિલ્સ પ્રા.લી નામની યાર્નની ફેક્ટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ક્રીશ્નાનાથ સુર્યનાથ તિવારી(ઉ.વ ૪૯)(રહે.સવિત હાઉસ અમરોલી) જે ઓફિસે આવ્યા હતા ત્યારે સફાઈ કામદાર જીતુભાઈ તથા સ્ટોર ઇન્ચાર્જ સંદીપ સિંઘે આવીને તેમનું ધ્યાન દોર્યું હતું કે, કંપનીના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ટોયલેટના ટબમાં બે દિવસની નવજાત બાળકી મરણ હાલતમાં પડેલી છે. ત્યારે મેનેજર ક્રીશ્નાનાથે રૂબરૂ જઈને ચોકસાઈ કર્યા બાદ કંપનીના માલિક બકરીવાલાને જાણ કરતા તેમના દ્વારા કંપનીમાં કામ કરતી તમામ મહિલાઓને નવજાત બાળકી બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો ન હતો. આખરે તેમણે સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરતા ઓલપાડ પોલીસના પીએસઆઇ બી.એચ.વાઘેલાએ ઘટના સ્થળે તપાસ કરી હતી. શબનમ ફેક્ટરીમાં આવેલા કોમન ટોયલેટના છેલ્લા ટોયલેટમાં કુદરતી હાજતે આવેલી કોઈ ગર્ભવતી મહિલાને કુદરતી હાજત વખતે મિસ ડીલવરી થઈ હોવાની શંકા છે અને મિસ ડીલેવરીમાં નવજાત બાળકી ટોયલેટના ટબમાં પડેલ હોય અને તેને છુપાવવા સારું કોઈને કંઈ પણ જાતની જાણ કર્યા વિના નવજાત બાળકીને ટોયલેટના ટબમાં મરણ ગયેલ હાલતમાં મૂકી ચાલી ગઈ હોય તેવું પણ બની શકે, તેથી પોલીસે અજાણી ગર્ભવતી મહિલા વિરુદ્ધ ઈ.પી.કો કલમ-૩૧૮ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં જ ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં સાયણ ગામ ખાતે એક મહિના પહેલા કોમ્પલેક્ષની છત પર નવજાત બાળકીને તરછોડી દેવાની બનેલી ઘટના બાદ ફરીવાર નવજાત બાળકીને મૃત હાલતમાં તરછોડી દેવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

(8:04 pm IST)