Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

સિરિયલ કિલરને શોધવાના પ્રયાસ : કિન્નરની પુછપરછ

સિરિયલ કિલિંગમાં રાનીની સંડોવણીનો ઇન્કાર : મુંબઇ પોલીસની ટુકડી ટ્રેનમાં બે મહિલાની હત્યાને લઇને તપાસ માટે અમદાવાદમાં : ઉંડી તપાસનો દોર હજુ જારી

અમદાવાદ,તા. ૧૭ : ગાંધીનગર જિલ્લાના કોબા અને દંતાલી લૂંટ તેમજ શેરથામાં હત્યાના ગુનાને અંજામ આપતો સિરિયલ કિલિંગના સામે આવેલા કિસ્સાઓ બાદ પોલીસ છેલ્લા ઘણા મહિનાઓથી આ ગુનાઓને અંજામ આપનાર સિરિયલ કિલરને શોધવાના પ્રયાસો કરી રહી છે પરંતુ હજુ સુધી પોલીસને સફળતા મળી નથી. ખાસ કરીને એટીએસ દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ રહી છે ત્યારે એટીએસની તપાસમાં એક નવો અને મહત્વનો ખુલાસો સામે આવ્યો છે કે, આ સિરિયલ કિલિંગમાં કિન્નર રાનીની કોઈ સંડોવણી સ્પષ્ટ થતી નથી. એટીએસે કિન્નરની પુછપરછ કરી હતી. ચાર મહિનાથી વધુ સમય વીત્યો હોવાછતાં સિરિયલ કિલર નહી પકડાતાં પોલીસે થોડા સમય પહેલાં તેનો સ્કેચ જારી કરી ઇનામની પણ જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી પોલીસને કોઇ કડી પ્રાપ્ય બની નથી, બીજીબાજુ, પોલીસે જે સીસીટીવી જારી કર્યા છે તે પણ પોલીસની પકડથી દૂર છે. તો, મુંબઈ પોલીસ પણ લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યાના અનુસંધાનમાં ગાંધીનગરમાં ધામા નાંખીને બેઠી છે. આમ, સિરિયલ કિલરને લઇ રહસ્ય વધુ ઘેરું બનતું જાય  છે. ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબરથી સિલસિલાબંધ ત્રણ હત્યામાં એક સરખી પિસ્તોલ વપરાઈ હોવાનું જણાતા ગાંધીનર પોલીસે સીટની રચના કરી હતી. તેમાં અધિકારીઓ અને વિવિધ તપાસ એજન્સીઓને સામેલ કરવામાં આવ્યા હતા.

હત્યાઓને અંજામ આપનાર હત્યારાનું પગેરું શોધવા સીટે સંખ્યાબંધ સ્થળોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં એક શંકાસ્પદ ચહેરાની ઓળખ કરી હતી. સ્કેચ અને ફોટોગ્રાફ લોકોને બતાવાતા તેની ઓળખ રાની કિન્નર તરીકેની થઈ હતી. જો કે, કેસમાં સફળતા નહી મળતાં પોલીસે તપાસના આધારે તૈયાર કરેલા સ્કેચ જારી કરીને એક પત્રિકા બહાર પાડીને ઈનામ આપવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી પોલીસના હાથ કંઇ લાગ્યુ નથી.

(8:03 pm IST)