Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલમાં અનેક વિભાગો બંધ : દર્દીઓને હાલાકી વેઠવાનો વારો : ખર્ચ પણ વધ્યો

મેડિસિન, સર્જરી, કાર્ડિયાક, ન્યુરો જેવા વિભાગો નવી હોસ્પિટલમાં લઇ જવાતા ગરીબ દર્દીઓને ખર્ચ વધ્યો

અમદાવાદના પાલડી વિસ્તારની વી,એસ. હોસ્પિટલ ફરીવાર વિવાદોમાં સપડાઈ છે  જૂની હોસ્પિટલના કેટલાક વિભાગો નવી કારોડોના ખર્ચે બનાવેલી હોસ્પિટલમાં લઇ જતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

  અમદાવાદની વીએસ હોસ્પિટલમાં જુના વિભાગમાં ચાલતા મેડિસિન, સર્જરી,કાર્ડિયાક, ન્યુરો જેવા વિભાગો બંધ કરી અને નવી હોસ્પિટલમાં લઈ જવાતા દર્દીઓ જે મફત સારવાર અને વ્યાજબી ભાવે સારવાર મળી રહે તે આશયથી આવે છે.રાજ્યભરમાંથી ગરીબ વ્યક્તિ વીએસ હોસ્પિટલમાં મફત સારવાર મળે તે હેતુથી આવે છે. પરંતુ હવે મોટાભાગના વિભાગો નવી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવાતા તેઓને કેસના ૧૦ રૂપિયા ચૂકવવા પડતા હતા તેની જગ્યાએ ૧૦૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. જેથી તેઓને હવે મોટો ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે.

 જુની હોસ્પીટલમાં દવા,એક્સરે, અન્ય સુવિધાના જે પૈસા ચૂકવવા નહોતા પડતા તેની જગ્યાએ હવે તેઓને ફરજીયાત દરેકના પૈસા ચૂકવવા પડી રહ્યા છે.જુની વી.એસ. હોસ્પિટલમાં હવે સર્જરી અને આઇસીસીયુ વોર્ડ પણ બંધ કરી દીધા છે. તંત્રએ અગાઉ અમૃતકાર્ડ સેવા બંધ કરી દીધા બાદ વી.એસ. હોસ્પિટલ બંધ કરવા માટે વધુ પગલા લીધા છે

 . નવી એસવીપી હોસ્પિટલ શરૂ કર્યા બાદ તંત્ર દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મેડિકલની કોલેજોમાં મોટી કમાણી કરવા માટે નવી હોસ્પિટલ બનાવવામાં આવી છે. ૨૦૦૮માં મેટની રચના કરી કોલેજ તેને સોંપી દેવામાં આવી હતી. રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે આ નવી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી.

 કોર્પોરેટ હોસ્પિટલમાં સેવાના ભાવ ચાર ગણા રાખવામાં આવ્યા છે. જુની વી.એસ. હોસ્પિટલમાં ૧૫૦૦ કરતા વધારે દર્દીઓને રોજ સારવાર આપવામા આવતી હતી. તેમજ વર્ષે ૨૫ હજાર કરતા વધારે સર્જરી થતી હતી.જુની વી.એસ. હોસ્પિટલના ઓપીડીમાં જ રોજના ૧૫૦૦ દર્દીઓ આવે છે ત્યારે નવી હોસ્પિટલમાં માંડ ૨૦૦ જ દર્દીઓ આવે છે.

(2:03 pm IST)