Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ઉનાળુ વેકેશનનો આનંદ માણવા ગુજરાતીઓ હિલ સ્ટેશને પહોંચ્યા : માઉન્ટ આબુ પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બન્યું

માઉન્ટ આબુના વેપાર ધંધામાં પણ તેજીનો માહોલ સર્જાયો

ડીસા ;ઉનાળુ વેકેશનનો આનંદ માણવા પ્રવાસીઓ હિલ સ્ટેશને પહોંચ્યા છે  ગુજરાતીઓ હરવા - ફરવાના શોખીન મનાય છે વેકેશનનો આનંદ માણવા માટે તીર્થસ્થળો અને પ્રવાસન ધામોમાં રજાઓ ગાળે છે. હાલ શાળા - કોલેજામાં ઉનાળુ વેકેશન છે તેમજ લોકસભાની ચૂંટણી પણ સંપન્ન થઈ છે ત્યારે આ ઉનાળાના વેકેશનનો આનંદ માણવા માટે ગુજરાતીઓ રાજસ્થનના હિલ સ્ટેશન માઉન્ટની વાટ પકડી રહ્યા છે. જે માઉન્ટ આબુ હાલ સહેલાણીઓથી ઉભરાવા લાગ્યું છે.

  બનાસકાંઠાને અડીને આવેલું માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ મનાય છે. અહીંયાં લોકો હરવા - ફરવાની સાથે નક્કી લેકમાં બોટીંગનો આનંદ માણે છે. અહીંયા એન્ટીક ચીજ વસ્તુઓ પણ વેચાતી હોઈ માઉન્ટના પ્રવાસે આવતા લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે.  

      અહીંયા જૈનોનું પવિત્ર યાત્રાધામ દેલવાડા પણ આવેલું છે. જયાં પણ પ્રાચીન કલાકૃતિના વારસાને માણવા પરિવાર સાથે લોકો ઉમટી પડે છે તો માઉન્ટ નજીક આવેલ આકાશને આબતા ગુરૂશિખરે પણ લોકો ભગવાન દત્તાત્રેયના દર્શનનો આનંદ માણે છે અને સાંજ પડતા જ વાદળોમાં છુપાતા સૂર્યને નિહાળવા લોકો સનસેટ પોઈન્ટ ઉપર ઉમટી પડે છે.

   એક જ સ્થળે અનેક આનંદની અનુભૂતિ કરાવતુ હીલ સ્ટેશન માઉન્ટ આબુ હાલ ઉનાળાના કારણે પ્રવાસીઓથી છલકાઈ રહ્યું છે. જેને લઈ માઉન્ટ આબુના વેપાર ધંધામાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. તેથી વેપારીઓમાં પણ ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.

(1:08 pm IST)