Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

રાજુલાના મોરંગ પંથકમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ : રાજુલાના ડુંગરમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો : બનાસકાંઠામાં વીજળી પડતાં એક ખેડૂત અને બે ભેંસોના મોત : અમરેલી અને મહેસાણામાં વરસાદ

અમદાવાદ,તા. ૧૭ : પશ્ચિમી રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં જુદા જુદા ભાગો પર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આજે હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદ થયો હતો. જુદા જુદા વિસ્તારમાં વરસાદના પરિણામ સ્વરુપે તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો હતો. હવામાન વિભાગ તરફથી હજુ પણ ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગોમાં અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદથી ખેડૂત સમુદાય ફરી એકવાર ચિંતાતુર દેખાયો હતો. બીજી બાજુ મહત્તમ તાપમાનમાં ઘટાડો પણ થયો છે. આજે અમદાવાદમાં પારો ગગડીને ૩૯.૯ ડિગ્રી રહ્યો હતો. રાજ્યમાં ગાંધીનગરમાં ૪૦.૪, કંડલા એરપોર્ટ ખાતે ૪૦.૨ અને રાજકોટમાં ૪૦.૧ સુધી પારો રહ્યો હતો જે રાજ્યના સૌથી ગરમ વિસ્તારો રહ્યા હતા. અન્યત્ર પારો ૪૦થી નીચે રહ્યો હતો. હવામાન વિભાગે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અનેક જગ્યાઓએ ધૂળભરેલી આંધીની સાથે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવાના દબાણમાં નોંધાયેલા ફેરફારના કારણે ગુજરાત રાજયના અમુક વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર પલ્ટો આવ્યો હતો. ખાસ કરીને રાજયના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આજે વરસાદી માહોલ સર્જાયો હતો. જેના કારણે વરસાદ પડયો તે વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ઠંડક પ્રસરી ગઇ હતી. રાજુલા, સાવરકુંડલા સહિતના પંથકોમાં તો, દોઢથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાતાં રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. ભરઉનાળે આટલા ભારે વરસાદથી રાજયના ખેડૂતો પણ કેરી સહિતના પાકની નુકસાનીને લઇ ચિંતામાં ગરકાવ થયા છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ રાજયના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલ્ટા અને વરસાદ પડવાની આગાહી કરી છે. દરમ્યાન બનાસકાંઠામાં ભારે ગાજવીજ સાથે વીજળી પડતાં એક ખેડૂત અને બે ભેંસોના મોત નીપજયા હતા, જેને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં ગઈકાલે સર્જાયેલા અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો હતો. જેના પગલે સૌરાષ્ટ્રના અમરેલી, રાજુલા સહિતના પંથકો તો ઉત્તર ગુજરાત ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગર, બનાસકાંઠા સહિતના પંથકોમાં આજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને અમરેલીના સાવરકુંડલા, વીજપડી, ભમ્મર, ધાડલા અને ચીખલીમાં વરસાદ નોંધાયો હતો. તો વળી, રાજુલાના મોરંગી પંથકમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજુલાના દિપડીયા, આગરીયા, વાવેરામાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. રાજુલના ડુંગર ખાતે તો, બરફના કરા સાથે વરસાદ પડયો હતો. થરાદ અને વાવ પંથકમાં ગઈકાલે સાંજે વાવાઝોડા સાથે ઝાપટું પડ્યું હતું. વાવાઝોડા અને ઝાપટાના પગલે નુકસાન થયું હતું. જેમાં એક ખેડૂત પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ભેંસો પણ મોતને ભેટી હતી. આજે અમરેલીના ખાંભા સહિતના પંથકોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણ એકદમ ઠંડુ બની ગયુ હતું. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ત્રાટકતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો પાકના નુકસાનીને લઇ ચિંતાતુર બન્યા હતા.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૭ : ગુજરાતમાં ક્યાં કેટલું મહત્તમ તાપમાનમાં નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૩૯.૯

ડિસા............................................................ ૩૮.૬

ગાંધીનગર................................................... ૪૦.૪

વડોદરા........................................................ ૩૮.૮

સુરત............................................................... ૩૫

અમરેલી....................................................... ૩૯.૮

ભાવનગર........................................................ ૩૭

રાજકોટ........................................................ ૪૦.૧

વલસાડ........................................................ ૩૩.૪

સુરેન્દ્રનગર................................................... ૩૯.૫

પોરબંદર...................................................... ૩૩.૬

કંડલા એરપોર્ટ............................................... ૪૦.૨

ભુજ................................................................. ૩૮

વીવી નગર.................................................. ૩૯.૬

નલિયા......................................................... ૩૫.૨

મહુવા………………………………………………………૩૫

(8:07 pm IST)