Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યુટ મેનેજર દ્વારા યુવતી ઉપર દુષ્કર્મ કરાયું

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર : મેનેજરે યુવતીના પર્સનલ ફોટા લઇ તેને વાયરલ કરવાની ધમકી આપી હતી : યુવતી દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદ

અમદાવાદ,તા. ૧૬ : શહેરના ચાંદખેડામાં આવેલા આઇએએનટી કોમ્પ્યુટર ઇન્સ્ટીટ્યૂટમાં ફરજ બજાવતી યુવતીને ઇન્સ્ટીટ્યૂટમાં જ કામ કરતા માર્કેટિંગ મેનેજરે ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણીની પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ કરવાનું કહેતા ઇન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર અજય વ્યાસે ફરિયાદ ન કરવાનું કહી અને મનીષને જ સાથ આપશે તેવી ધમકી આપી હતી. જેને પગલે યુવતીએ આ મામલે માર્કેટિંગ મેનેજર અને ડાયરેક્ટર સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતી દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસે હવે સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં જ રહેતી અને ન્યૂ સી.જી રોડ પર આવેલા આઇએએનટી કોમ્પ્યુટર ઇન્સ્ટીટ્યૂટમાં નોકરી કરતી યુવતીને ઇન્સ્ટિટ્યૂટમાં માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવતા મનિષ બારોટ નામના યુવકે ૨૦૧૮માં યુવતીના પર્સનલ ફોટા લઇ તેને વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું. જેથી ઇન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટરે તું પોલીસ ફરિયાદ કરીશ તો ઇન્સ્ટીટયૂટનું નામ ખરાબ થશે અને હું મનિષનો જ સાથ આપીશ તેમ કહ્યું હતું. મહિલા ક્રાઇમબ્રાન્ચના એસીપી કે મીની જોસેફે જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં બળાત્કાર અને મદદગારી ફરિયાદ નોંધાઇ છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. દુષ્કર્મના કિસ્સાઓમાં હાલના દિવસોમાં વધારો નોંધાયો છે.

(8:16 pm IST)