Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

મહેસાણાના વિજાપુરમાં ખરોડ ગામની સીમમાં વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

મહેસાણા :ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય, પણ અહી ઠેર ઠેર દારુ પીવાય છે, વેચાય છે, ખરીદાય છે તેવા પુરાવા છાશવારે મળતા રહે છે. દેશી દારૂ બનાવતી અનેક ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડતી હોય છે, પણ મહેસાણામાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના વિજાપુરમાં આવેલ ખરોડ ગામની સીમમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ગામના એક ખેતરમાં પાણીના બોર ઉપર ફેક્ટરી ધમધમતી હતી. જેમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવાતો હતો. પોલીસે રેડ પાડતા, ખેતરમાંથી વિદેશી દારૂ બનાવવાના કાચામાલ સાથે 3 શખ્સો ઝડપાયા હતા. ડુપ્લીકેટ વિદેશી દારૂનો જથ્થો અને 2 કાર સહિત કુલ 9.17 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડીવાયએસપીની ટીમે બાતમી આધારે ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.

ગુજરાતમાં ઠલવાતા અને વેચાતા ડુપ્લીકેટ દારૂને કારણે સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. લોકોને બ્રાન્ડના નામે ડુપ્લીકેટ દારૂ પધરાવવામાં આવે છે.

(5:16 pm IST)