Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પાટણ જિલ્લાના સરહદી વિસ્‍તારના ગામોમાં ટેન્કરો દ્વારા સમય વગર કરાતુ પાણીનું વિતરણ

પાટણ :સમગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં પાણીના પોકાર ઉઠવા પામ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના ગામોમાં પણ ઉનાળો આકરી બની રહ્યો છે. અહીં પણ પાણીના ટેન્કરો દ્વારા ગામે ગામ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ પાણી ક્યારે આવે તેનું કાઈ નક્કી હોતું નથી. તેથી પાણી મેળવવા લોકોને કલાકો સુધી કાળઝાળ ગરમીમાં માર્ગો પર બેસવું પડે છે અને પાણી આવે તો પણ પૂરતા પ્રમાણમાં મળતા દયનીય હાલત બની છે.

પાટણ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે સરહદી વિસ્તારના ગામોમાં પાણી અને ઘાસચારાની ભારે બૂમ ઉઠી છે, ત્યારે પાટણ જિલ્લાના છેવડાના સાંતલપુર તાલુકાના બોર્ડર વિસ્તાર એટલે કે ભારત અને પાકિસ્તાનને અડીને આવેલ જાખોત્રા ગામ જ્યાં ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણી માટે લોકોને રઝળપાટ કરવી પડી રહી છે. તો પશુઓને પણ પાણી અને ઘાસ માટે વલખા મારવા પડી રહ્યા છે. ગામ નજીક બોર્ડર હોઈ બીએસએફના જવાનો પણ રાત દિવસ ફરજ પર તૈનાત રહે છે, છતાં પણ અહીં પાયાની કોઈ સુવિધા મળી રહેતી નથી.

પાણી તો છેલ્લા ઘણા સમયથી ટેન્કરો દ્વારા આપવામાં આવી રહ્યું છે, તે પણ અનિયમિત આપવામાં આવે છે અને તે મેળવવા કલાકો સુધી કાળઝાળ ગરમીમાં રોડ પર બેસવુ પડે છે. છતાં પણ જરૂરિયાત પૂરતું પાણી મળતું નથી. જેને પગલે લોકોની હાલત કફોડી બનવા પામી છે. સાથે વિસ્તારમાં પાણીની ભારે અછતના પગલે પીવાના પાણી ટેન્કર રૂપિયા ખર્ચી મેળવવાની ફરજ પડી રહી છે, તો સરકાર છેવાડાના વિસ્તાર સુધીનો વિકાસ થયો છે, તેવા બણગાં ફૂંકી રહી છે. પરંતુ છેવડા વિસ્તાર સુધી હજુ પાણી માટે લોકોને રઝળપાટ કરવી પડે છે તે વાસ્તવિકતા છે.

(5:13 pm IST)