Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ખેડાના નડિયાદની સિવિલ હોસ્‍પિટલમાંથી દિવ્યાંગોની ટ્રાયસીકલો બારોબાર ભંગારમાં વેચી દેવાનું કૌભાંડ

નડિયાદ: ખેડાના નડિયાદની સિવિલ હોસ્પિટલમાંથી વિકલાંગોની ટ્રાઇસીકલો બારોબાર ભંગારમાં વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે. સિવિલ હોસ્પિટલમાંથી ભંગારોનો વેપારી ટ્રાઇસિકલો ભરી જઇ રહ્યો હતો તે સમયે સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેને રોકી તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.

કોઇ વિકલાંગને અવર જવરમાં સહારો મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓની મદદથી સરકાર દ્વારા ટ્રાઇસિકલો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અપાઇ હતી. પરંતુ ગોરખ ધંધાનું પર્યાય બનેલી સિવિલ હોસ્પિટલના લાંચીયા અધિકારીઓ દ્વારા ગરીબ અને અપંગ લોકોની ટ્રાઇસીકલો પણ બારોબાર વેચી મારવાથી ચુક્યા નથી.

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ચાલતા ડિસ્ટ્રીક્ટ ઇન્ટરવેસન સેન્ટર (ડીઇઆઇસી) દ્વારા આજે બપોરના સમયે હોસ્પિટલનો મોટાભાગનો સ્ટાફ કામમાં વ્યસ્ત હોય તેવા સમયે પાછલા બારણે ભંગાર વાળાને બોલાવી રૂપિયા 200ના ભાવથી ટ્રાઇસીકલોને વેચાણ કરી દેવાઇ હતી. જોકે ભંગારમાં વેચાયેલી ટ્રાઇસીકલો વેપારી સિવિલ હોસ્પિટલની બહાર લઇજતા સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેને રોક્યો હતો. અને તપાસ કરતા ડીઇઆઇસીના મેનેજર દ્વારા ટ્રાઇસીકલો બારોબાર ભંગારમાં વેચીદીધી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતુ.

સિવિલ હોસ્પિટલ પાસે રહીએ છે. આજે ભંગારવાળો ટ્રાઇસીકલો લઇ બહાર આવતો હતો ત્યારે અમે તેને રોકીને પુછ્યુ હતુ કે, તમે સાયકલો ક્યાથી લાવ્યા તો તેણે કહ્યુ હતુ કે, અમે સિવિલમાંથી લાવ્યા છે. એટલે નવી સાયકલો ભંગારમાં વેચી હોવાનું દેખાતા અમે ડોક્ટરને બોલાવી પુછ્યુ હતુ. તો તેમણે કહ્યુ હતુ કે, સાયકલ ભંગાર થઇગઇ હોવાથી ભંગારમાં આવી છે. પરંતુ તેઓએ કોઇપણ પ્રકારની સરકારી પ્રોસેસ કર્યા વગર સાયકલો બારોબાર ભંગારમાં આપી હોવાનું તપાસ કરતા માલુ પડ્યું હતું.

સ્થાનિક લોકો દ્વારા ભંગારના વેપારીને પકડી હોબાળો મચાવતા ડીઇઆઇસીના મેનેજર દોડીને હોસ્પિટલ પહોચી ગયા હતા. જેઓએ જણાવ્યુ હતુ કે, ટ્રાઇસીકલો વર્ષોથી અહી પડી પડી ભંગાર થઇગઇ હોવાથી આજે ભંગારમાં વેચી છે. જોકે કેમેરા સમક્ષ ઉચ્ચ તંત્રની મંજુરી લીધી હોવાની ગુલબાંગો મારતા મેનેજર સાહેબ પાછળથી કોઇપણ સરકારી કાગળ બતાવી શક્યા હતા. અને તેમના ગપગોળા ખુલ્લા પડી ગયા હતા.

હાલ તો સ્થાનિકો દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી બારોબાર વેચાઇ રહેલી ટ્રાઇસીકલો ઝડપી સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડીની પોલ ખોલી નાખી છે. પરંતુ ઉચ્ચ તંત્ર દ્વારા આવા કૌભાંડો આચરતા તત્વોને ખુલ્લા પાડવામાં અને તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

(5:12 pm IST)