Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પીએફની ૪૭.૦૬ લાખની રકમ કચેરીમાં જમા ન કરી

મેકવાયર એચઆરના માલિકો સામે ફરિયાદઃ કર્મચારીઓના પીએફના નાણાં તેમના પગારમાંથી કાપ્યા બાદ પણ રકમ પીએફ ઓફિસમાં જમા જ ના કરાવાઇ

અમદાવાદ, તા.૧૭, કર્મચારીઓના પ્રોવીડન્ટ ફંડના નાણાં કાપ્યા બાદ તે પી.એફ કચેરીમાં જમા નહી કરાવવાના ગુના બદલ મેકવાયર એચ.આર.સોલ્યુશન કંપનીના માલિક નિત્યરાજન પ્યારેલાલ સરકાર અને અનિધ્યા નિત્યરાજન સરકાર વિરૂધ્ધ શહેરના નવરંગપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. કંપનીના માલિકોએ આશરે ૨૫૦ જેટલા કર્મચારીઓના પગારમાંથી રૂ.૪૭.૦૬ લાખથી વધુની રકમ કાપી લીધા બાદ પણ પીએફ કચેરીમાં જમા કરાવી નહી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પીએફ અધિકારી વીજી દિનેશ મોહન દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે આ પ્રકરણમાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે. કર્મચારીઓના પ્રોવીડન્ટ ફંડની રકમ જમા નહી કરાવવા બદલ નોંધાયેલી પોલીસ ફરિયાદની વિગતો મુજબ, વડોદરાના અકોટા સ્ટેડિયમ રોડ પર ચિત્રકુટ સોસાયટી ખાતે રહેતા અને મેકવાયર એચ.આર.સોલ્યુશન કંપનીના માલિક નિત્યરાજન પ્યારેલાલ સરકાર અને ચાંદખેડા વિસ્તારમાં એસપી રીંગરોડ પર તપોવન સર્કલ ખાતે બાલાજી વિલા-૨ ખાતે રહેતાં અનિધ્યા નિત્યરાજન સરકારે ભેગામળી નવરંગપુરા ગણેશપ્લાઝા ખાતેની ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓના પ્રોવીડન્ટ ફંડના નાણાં પગારમાંથી કાપ્યા છતાં આજદિન સુધી પીએફ કચેરીમાં જમા કરાવ્યા ન હતા. આરોપીઓએ તા.૫-૧૨-૨૦૧૭થી લઇ આજદિન સુધી  કર્મચારીઓના પીએફના રૂ.૪૭ લાખ, છ હજાર, ૩૩૨ તેમના પગારમાંથી કાપ્યા બાદ પણ આ રકમ પ્રાદેશિક ભવિષ્ય નિધિની કચેરીના ખાતામાં જમા કરાવ્યા ન હતા. કંપનીના માલિકો દ્વારા આમ કરી ખુદ કંપનીના જ કર્મચારીઓ સાથે ગંભીર વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરાયા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પીએફ અધિકારીની આ ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.  કંપનીના માલિકો દ્વારા આચરાયેલા આ કૌભાંડમાં ૨૫૦ જેટલા કર્મચારીઓ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. એક કર્મચારીએ નોકરી છોડયા બાદ પોતાના પીએફની રકમ માટે પીએફ ઓફિસમાં અરજી કરતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટયો હતો. પોલીસે કંપનીના આરોપી માલિકોની ધરપકડ, તેમના બેંક એકાઉન્ટ સીઝ કરવાની કાર્યવાહી માટે તપાસનો ધમધમાટ આગળ ચલાવ્યો છે.

(9:56 pm IST)