News of Thursday, 17th May 2018

અમદાવાદની આંગણવાડીઓ સ્માર્ટ તેમજ હાઇટેક બનાવાશે

સ્માર્ટ કિડ્સ ફોર સ્માર્ટ કન્સેપ્ટ પર શિક્ષણ અપાશે : મેયર ગૌતમભાઇ દ્વારા રાજયના પ્રથમ કિડ્સ કોર્નર અને સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ : નાના ભૂલકાંઓને મજા

અમદાવાદ,તા. ૧૭ : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી આંગણવાડીઓ હવે સ્માર્ટ અને હાઇટેક બનશે. સ્માર્ટ કિડ્સ ફોર સ્માર્ટ સીટી કન્સેપ્ટ પર શહેરની આંગણવાડીઓ હવે વિકસાવાશે. શહેરમાં હાલ ૨૧૦૦ જેટલી આંગણવાડીઓ નાના ભૂલકાઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી રહી છે, જેમાં ૬૩૪ આંગણવાડીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મકાનોમાં ચાલી રહી છે, જયારે ૧૪૭૦ જેટલી આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે. જો કે, નાના બાળકો કે જેઓ આપણું ભવિષ્ય છે, તેઓને રમત-ગમત સાથે શિક્ષણ, બાળપણથી જ જ્ઞાનવૃધ્ધિ અને કુપોષણના દૂષણમાંથી મુકત કરાવવા સ્માર્ટ આંગણવાડીનો પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો છે એમ અત્રે મેયર ગૌતમભાઇ શાહે જણાવ્યું હતું. શહેરના ઘાટલોડિયા વોર્ડમાં મહિલા જીમ્નેશીયમ ખાતે અનોખા કિડ્સ કોર્નરનું અને ગોતા વોર્ડના બાદલનગર વિસ્તારમાં આવેલ બે સ્માર્ટ આંગણવાડીઓનું આજે શહેરના મેયર ગૌતમભાઇ શાહના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત બી હેસ્ટેક ધ ચેન્જ એજન્સીના ચેરપર્સન રાજલ મહેતાએ મેયર ગૌતમશાહને કિડ્સ કોર્નર અને સ્માર્ટ આંગણવાડીની નોંધનીય અને હાઇટેક થીમ બેઝ ફિચર્સ અને બાબતો સમજાવી હતી, જે જાણી મેયરે તેમના અનોખા કન્સેપ્ટ અને કામગીરીને બિરદાવી હતી. અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા નવા પશ્ચિમ ઝોનનાં ઘાટલોડિયા વોર્ડમાં ફક્ત મહિલાઓ માટેના જિમમાં મહિલા સભ્યનાં બાળકો માટે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ કિડ્સ કોર્નર આજે લોકાપર્ણ કરાયું હતું.  મેયર ગૌતમભાઇ શાહ અને બી ધ ચેન્જ એજન્સીના રાજલ મહેતાએ જણાવ્યું હતું કે, કિડ્સ કોર્નરનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે, મહિલા જીમમાં કસરત કરવા આવનાર મહિલા સભ્ય પોતાની નજર સામે બાળકને કિડ્સ કોર્નરમાં રમવા માટે મૂકીને તેની પર નજર રાખતાં રાખતાં જીમની પ્રવૃત્તિ કરી શકશે. આ પ્રોજેકટ માટે શ્રીમતી શાંતિદેવી ગોસ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી ગોવિંદરામ રૂપરામ ચેરિટેબલ ટ્રસ્ટ અને રન્નાદે સેલ્સ દ્વારા કિડ્સ કોર્નર માટે રૂ.૧.૫ લાખ અને બે આઇ-સી આંગણવાડી બનાવવા માટે રૂ.૧૦.૫૧ લાખનું દાન અર્પણ કરાયું છે. ગોતા વોર્ડની બાદલનગર ખાતેની ગુજરાતની સૌપ્રથમ સ્માર્ટ આંગણવાડીમાં ચીનુ વાનરને એક મોડેલરૂપે રજૂ કરવામાં આવ્યો છે, જે છોટા ભીમ જેવું એક પાત્ર છે. ચીનુના મોડલ થકી અવનવા સંવાદો તેમ જ આંગણવાડીમાં નવી વોઇઝ ઓવર ટેકનોલોજી, એલઇડી દ્વારા નાના ભૂલકાં-બાળકોને બ્રશ કરવાથી માંડી સ્વચ્છતા જાળવવા, શિસ્ત પાળવા, વહેલા સૂઇ, વહેલા ઉઠવા, સારી ટેવો કેળવવા સહિતની ૩૫થી વધુ અલગ-અલગ પ્રવૃત્તિઓ સમજાવવા અને શીખવાડવામાં આવશે. સાથે સાથે બાળકોને સૂર્યમંડળ, ટ્રાફિક વ્યવસ્થા, સ્વસુરક્ષા, સાપસીડી, ખોખો, સંગીતખુરશી જેવી રમતો ઉપરાંત પ્રાથમિક સામાન્ય જ્ઞાન પણ અપાશે. તો, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુકત આહાર વિશે જાણકારી અપાશે. બે આંગણવાડીઓમાં ૮૦થી વધુ બાળકોને સ્માર્ટ અને હાઇટેક ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવશે. આજના લોકાર્પણ પ્રસંગે મેયર ગૌતમભાઇ શાહ દ્વારા આંગણવાડીના નાના ભૂલકાંઓને સ્કૂલ બેગ અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ, ડેપ્યુટી મેયર પ્રમોદાબહેન સુતરીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પ્રવીણભાઇ પટેલ, મહિલા અને બાળવિકાસ કમીટીના ચેરપર્સન નંદિનીબહેન પંડયા, હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારી ભાવિન જોષી, સંસ્થાના ફાઉન્ડર ફોરમ મહેતા સહિતના મહાનુભાવો અને આંગણવાડીની બહેનો અને નાના ભૂલકાંઓના વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(7:10 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • શપથ લેવા રાજભવન જઇ રહેલ યેદિયુરપ્પાના કાફલાને રોકવાનો અને હુમલાનો પ્રયાસઃ મોટો ખળભળાટઃ સંજયનગર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ આ કાફલા પર હુમલો કર્યો : (ઝી ન્યુઝનો અહેવાલ) access_time 10:57 am IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST