Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

બિટકોઇન : નલિન કોટડિયાની અટકાયત માટે અંતે વોરંટ જારી

સ્પેશિયલ એસીબી કોર્ટના ચુકાદાથી ભારે ઉત્તેજના : કોટડિયાની પ્રથમદર્શનીય સંડોવણી : ધરપકડને ટાળવા કોટડિયાના પ્રયાસના લીધે કલમ-૭૦નું વોરંટ જારી કરાયું

બિટકોઇન : નલિન કોટડિયાની અટકાયત માટે અંતે વોરંટ જારી

અમદાવાદ,તા. ૧૭ : ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બીટકોઇન કૌભાંડમાં   ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ૨૦૧૭માં ગુજરાતમાં યોજાયેલી રાજયસભાની ચૂંટણી વખતથી ભાજપથી અંતર બનાવનાર નલિન કોટડિયાની ધરપકડ હવે નિશ્ચિત થઇ ગઇ છે. વારંવારના સમન્સ અને તાકીદ છતાં નલિન કોટડિયા તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર નહી થતાં હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા કોટડિયાની વિધિવત્ ધરપકડ માટે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં સીઆરપીસીની કલમ-૭૦ હેઠળ વોરંટ મેળવવા કરેલી અરજી આજે સ્પેશ્યલ એસીબી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને નલિન કોટડિયા વિરૂધ્ધ કલમ-૭૦ હેઠળનું તેમની ધરપકડ માટેનું વોરંટ જારી કર્યું હતું. એડિશનલ સેશન્સ જજ પી.જે.તમાકુવાલાએ પોતાના ચુકાદામાં કોટડિયાની આ કેસની તપાસમાં સાથ સહકાર નહી આપવાની અને ભાગેડુ રહેવાની પ્રવૃત્તિને લઇ ગંભીર ટીકા કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, બિટકોઇન કૌભાંડમાં કોટડિયાની પ્રથમદર્શનીય સંડોવણી છે. બિનજામીનપાત્ર એવા આ ગુનામાં પોતાની ધરપકડ ટાળવા કોટડિયા પ્રયાસ કરી રહ્યા છે, તેથી કલમ-૭૦નું વોરંટ જારી કરવુ ન્યાયોચિત લેખાશે. બીજીબાજુ, બિટકોઇન કેસમાં નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા વિરૂધ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરી દેવાઇ છે અને ગુજરાત સહિત દેશભરના એરપોર્ટ પર આ અંગેની જાણ કરી દેવાઇ છે. દરમયાન બિટકોઇનના સમગ્ર કૌભાંડની તપાસ માટે સીઆઇડીની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની આજે મહત્વની બેઠક મળી હતી. જેમાં કોટડિયાની ધરપકડ સહિતના મુદ્દાઓ પર મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. કોટડિયાની ધરપકડ માટે સંભવિત : લોકેશનને લઇ સીઆઇડી ક્રાઇમે છ જુદી જુદી તપાસ ટીમોને દોડતી કરી છે. સીઆઇડી ક્રાઇમ તરફથી કરાયેલી અરજીમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ચકચારભર્યા બિટકોઇન કેસમાં નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા રાજય બહાર હોવાની આશંકા પ્રવર્તી રહી છે અને તેને લઇ સીઆઇડી ક્રાઇમે છ જુદી જુદી તપાસ ટીમોને દોડતી કરી છે. ચકચારભર્યા બિટકોઈન કેસમાં નાસતા ફરતા અમરેલી પોલીસના ૭ કોન્સ્ટેબલ તથા કેતન પટેલના ભાઈ જતિન પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સહિત નવ આરોપીઓની ધરપકડ આ કેસમાં હજુ બાકી છે. એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી નલિન કોટડીયા નિર્દોષ હોવાના ખુલાસા આપી રહ્યા છે અને આ મામલે ગૃહમંત્રી અને સીઆઈડીને પત્ર લખીને તમાશો કરી રહ્યા છે પરંતુ રાજય સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, બિટકોઈનના ગોરખધંધામાં જે કોઈ સંડોવાયેલું છે તેની ધરપકડ નિશ્ચિત છે. સીઆઇડી ક્રાઇમ તરફથી વારંવાર સમન્સ પાઠવવા છતાં અને તેમને તાકીદ કરવા છતાં કોટડિયા તપાસનીશ એજન્સી સમક્ષ હાજર નહી થતાં હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કાનૂની સહારો લેવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે સંભવિત તમામ સ્થાનો પર કોટડિયાની તપાસ કરી પરંતુ કોટડિયા હજુ સુધી મળી આવ્યા નથી અને સમગ્ર કેસમાં નાસતા ફરે છે. આ સંજોગોમાં કોર્ટે નલિન કોટડિયા વિરૂધ્ધ સીઆરપીસીની કલમ-૭૦ હેઠળનું વોરંટ જારી કરી આપવું જોઇએ કે જેથી તપાસનીશ એજન્સી રાજયમાં કે રાજય બહાર આ સમગ્ર કૌભાંડની તપાસના ભાગરૂપે નલિન કોટડિયાની ધરપકડ માટે અન્ય પોલીસ કે એજન્સીઓની મદદથી સીઆરપીસીની કલમ- ૮૨ અને ૮૩ હેઠળની કાર્યવાહી કરી શકે. સ્પેશ્યલ એસીબી કોર્ટે  સીઆઇડી ક્રાઇમની આ અરજી પરનો ચુકાદો તા.૧૭મી મે પર અનામત રાખ્યો હતો, જે આજે કોર્ટે જાહેર કરી નલિન કોટડિયા વિરૂદ્ધ કલમ-૭૦ હેઠળ ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

(7:08 pm IST)
  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST

  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST