Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

વડોદરા નજીક આકરી ગરમીના કારણે પોસ્ટમેનનું ચક્કર આવવાથી મોત

વડોદરા:માં છેલ્લા ૪ દિવસથી સૂર્યનારાયણ આકરા બન્યા છે. આજે વડોદરામાં ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. હીટવેવની અસર જનજીવન પર પડી છે. ૪ દિવસમાં જ લૂ લાગવાના અને ઝાડા ઉલટીના મળીને ૪૫૦થી વધુ કેસ નોંધાયા છે આ દરમિયાન આજે વાડી વિસ્તારમાં સાયકલ લઇને ટપાલ વિતરણ કરી રહેલા પોસ્ટમેન આકરી ગરમીના કારણે ચક્કર આવીને સાયકલ પરથી પડી જતા તેમનું મોત થયું હતું. મૂળ છોટાઉદેપુર જિલ્લાના સાઠા ડુંગરી ગામના અને વડોદરા ખાતે દિકરી જમાઇના ઘરે રહેતા ઉરશનભાઇ એમ.રાઠવા (ઉ.૫૭) રાવપુરા પોસ્ટ ઓફિસ (જીપીઓ)માં પોસ્ટમેન તરીકે ફરજ બજાવે છે આજે તેઓ રાવપુરા પોસ્ટ ઓફિસથી વાડી વિસ્તારની ટપાલો લઇને સાયકલ પર નિકળ્યા હતા. તેઓ બપોરના ૨ વાગ્યાના અરસામાં વાડી વિસ્તારમાં ટપાલ વિતરણ કરી રહ્યા હતા ત્યારે ચોખંડી નજીક તેઓ અચાનક સાયકલ પરથી ચક્કર આવીને પડી ગયા હતા. આસપાસના લોકો દોડી આવ્યા હતા અને નજીકમાં હનુમાનજીના મંદિરના ઓટલા પર સુવડાવ્યા હતા અને પાણી છાંટીને તથા ડુંગળી સુંઘાડીને તેઓને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ ભાનમાં નહી આવતા ૧૦૮ દ્વારા એસએસજી હોસિપટલ લઇ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

 

(6:05 pm IST)