Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સાવલી તાલુકાના મહીસાગર નદી કિનારે ન્હાવા પડેલ યુવાનનો પાણીમાં ગરકાવ

સાવલી:તાલુકાના મહીસાગર નદી કિનારે આવેલા લાંછનપુરા ગામે મોજ મસ્તી અને નદી કિનારે ન્હાવા આવતા નવયુવાનોના હાથીયા ધરામાં ડૂબી જવાથી અવારનવાર અપમૃત્યુના બનાવો બની રહ્યા છે તેમાં વધુ એક બનાવનો વધારો થયો છે. વડોદરા નજીક બાજવામાં રેવા ફાટક પાસે રહેતા પાંચ મિત્રો આશીષ ભાલેરાવ, અવીનાશ ભામરે, પ્રદિપ બારીયા, તેજસ મકવાણા અને કિરણ મકવાણા બે એક્ટીવા સ્કુટર લઇને સાવલી તાલુકાના લાંછનપુરા ગામે મહી નદી કિનારે ન્હાવા માટે આવ્યા હતાં. સવારે દસ વાગે નદીમાં ન્હાવા ઉતર્યા બાદ થોડા સમયમાંજ ન્હાવા પડેલા મિત્રો પૈકી આશિષ શશીકાંત ભાલેરાવ (ઉ.વ.૧૭)નો પગ લપસતા હાથિયા ઘરાનાના ઉંડા પાણીમાં તણાયો હતો અને બહાર નીકળવા તરફળીયા મારતો હતો. આશિષને તણાતો જોઇને સાથે આવેલા અન્ય મિત્રોએ બચાવ માટે બુમાબુમ કરતા સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓએ એકઠા થઇને બચાવ કામગીરી શરૂ કરી હતી. આશરે એક કલાકની શોધખોળ બાદ આશિષને શોધી બહાર કિનારે ખેંચી લવાયો હતો અને પ્રાથમિક સારવાર અપાયા બાદ નવયુવાનને સાવલી સરકારી દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિવારનો એકનો એક પુત્ર ડૂબી જતાસરકારી હોસ્પિટલમાં પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીનભર્યુ બની ગયુ હતું.

(6:05 pm IST)