Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ગુજરાતના અંબાજી, સોમનાથ, દ્વારકા સહિતના પ્રસિદ્ધ મંદિરો હવે સુર્ય ઉર્જાના પ્રકાશની ઝગમગશેઃ યાત્રધામ વિકાસ બોર્ડની પાંચ કરોડની યોજના

અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગની સમસ્‍યા સામે લડત આપવા માટે હવે વિશ્વભરના દેશો બિન પરંપરાગત ઉજાસ્‍ત્રોતનો ઉપયોગ કરતા થયા છે. ભારત પણ આમાં હવે આગળ વધી રહ્યું છે અને ગુજરાત સરકાર સૌર ઉર્જા અેટલે કે સોલાર પેનલથી ઉત્પન્ન થતી વિજળીની ઉર્જાનો ઉપયોગ કરવામાં કાઠુ કાઢી રહી છે. કેમ કે રાજ્ય સરકારે રાજ્યના પ્રસિદ્ધ મંદિરોને હવે સૌર ઊર્જાથી ઝગમગાવનું બીડુ ઝડપ્યું છે. સરકારે અંબાજી, સોમનાથ, દ્વારકા તથા શ્યામળાજી અને બહુચરાજીના મંદિરોને સૌરઊર્જાના પ્રકાશની રોશન કરશે. શરૂઆતમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવામાં આવશે અને જો આ પ્રયોગ સફળ રહ્યો તો ગુજરાતના કુલ 200 જેટલા મંદિરોમાં સૌરઊર્જા આપવામાં આવશે. નોંધનીય છે કે આ તમામ મંદિરોમાં મહત્વના દિવસોમાં ખાસ લાઇટનિંગ પણ કરવામાં આવે છે. વળી પ્રતિમાહ આ મંદિરોના વિજળીના બિલ જ 80 હજારથી 2 લાખ રૂપિયા જેવા આવે છે. ત્યારે આવા મોટા બિલનો ભાર ઓછો કરવા માટે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડે 5 કરોડ રૂપિયાના ખર્ચે 200 મંદિરોમાં સૌર ઊર્જાની પેનલ લગાડવાનું નક્કી કર્યું છે.

સરકાર સોમનાથ મંદિરમાં 1.40 કરોડ રૂપિયાના ખર્ચે 300 કિલો વોટ સૌરઊર્જા ઉત્પન્ન કરે તેવી પેનલ લગાવશે. સાથે અન્ય મંદિરોમાં પણ આ રીતે સૌર પેનલ લગાડવામાં આવશે. વળી આ વિજળીથી મંદિરના પાર્કિંગ, ભોજનાલય અને ધર્મશાળા તથા મંદિર પરિસરની ઓફિસને પણ વિજળી આપવામાં આવશે. જાગરણમાં છપાયેલી ખબર મુજબ આ પહેલા ભરૂચ અને મહેસાણાના સર્કિટ હાઉસમાં પણ આ રીતની સૌલર પેનલ લગાડવામાં આવી હતી. અને તે ઉપાય સફળ રહેતા ગાંધીનગરના સર્કિટ હાઉસમાં પણ આ રીતે સૌરઊર્જાથી વિજળી બચાવવાનો નવતર પ્રયોગ હાથમાં લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરઊર્જાને વધારવાના સૂચન પર ગુજરાત સરકાર, સૌરઊર્જા પર ખાસ પોતાનું ફોકસ વધારી રહી છે. જે હેઠળ તે હવે સર્કિટહાઉસ પછી ગુજરાતના મંદિરોને પણ સૌરઊર્જાથી પ્રજવલિત કરી વિજળીના બિલ બચાવવાનો અને ઇકોફ્રેન્ડલી વિજળી પૂરી પાડવા પર ભાર મૂકી રહી છે.

(6:03 pm IST)