Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

જૂનમાં દિલ્હી ખાતે હજારો લઘુઉદ્યોગકારોનું મિલન

વિજયભાઇ રૂપાણીને હાજર રહેવા રજનીશ ગોએન્કાનું આમંત્રણ : ગુજરાત ભાગ લેશે

રાજકોટ તા. ૧૭ : ૨૨થી ૨૪ જૂન દરમિયાન દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે પાંચમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એમએસએમઇ એકસ્પો અને ૩જા સ્ટાર્ટ અપ ફેસ્ટિવલનો પ્રારંભ થશે.

MSME ડેવલપમેન્ટ ફોરમના ચેરમેન રજનીશ ગોએન્કાએ શ્રી વિજયભાઇ રૂપાણીને આમંત્રણ આપવા મુલાકાત કરી હતી. ગોએન્કાના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આ ઇવેન્ટમાં ગુજરાતના ભાગ લેવા અંગે ઉત્સાહ દર્શાવીને હા પાડી છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઇવેન્ટમાં દેશ અને દુનિયામાંથી ૨૦ હજારથી વધુ લઘુઉદ્યોગકારો ભાગ લેશે.

ગોએન્કાએ જણાવ્યું કે, દેશની કુલ વસતીનાં ૬૫ ટકા યુવાન છે. તેમને જોબ સીકરમાંથી જોબ ક્રિએટર બનાવવા માટેનું આ અભિયાન છે. અમારી સંસ્થાના દેશમાં ૧૨ અને વિદેશમાં ૯ ચેપ્ટર છે. એકસ્પોમાં ૧૦થી વધુ દેશના ૧૨ મુખ્યમંત્રી સહિત એમ્બેસેડર્સ પણ ઉપસ્થિત રહેવાના છે.

(3:54 pm IST)