Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રાહુલની ગુજરાત મુલાકાતનો ગોઠવાતો તખ્તો

સંમેલન, સંવાદ અને યુવા મતદારો સાથે વાર્તાલાપ : છ મહાનગરોના શહેર પ્રમુખો બદલાશે

રાજકોટ તા. ૧૭ : તાજેતરમાં દિલ્હી ગયેલા ગુજરાતના પ્રદેશ કોંગી નેતાઓએ રાહુલ ગાંધીને બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાનું આમંત્રણ પાઠવતા તે સ્વિકારાયું છે અને જુનના અંતીમ દિવસોમાં ગુજરાત આવશે અને સંમેલન, સંવાદ, બેઠકો યોજાશે તથા યુવા મતદારો સાથે વાર્તાલાપ પણ કરશે. દરમિયાન ગુજરાતમાં નવા સંગઠનની રચનાની પ્રક્રિયા આરંભાઇ છે. સુરત અને વડોદરા સિવાય અન્ય ૬ મહાનગરોના શહેર કોંગ્રેસ પ્રમુખોમાં પણ ફેરબદલની પ્રક્રિયા આરંભાયાના નિર્દેશો મળે છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી જૂન મહિનાના છેલ્લા સપ્તાહે સંભવતઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના છે. ગુજરાત કોંગ્રેસે આપેલા આમંત્રણનો રાહુલે હમણાં જ સ્વીકાર કર્યો છે. બે દિવસની આ ગુજરાત મુલાકાતમાં ખેડૂતોના સંમેલન તેમજ ચાર અલગ અલગ સંવાદ બેઠકો રાહુલ ગાંધી સાથે યોજાય તે માટેનું આયોજન પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાથ ધરાયું હોવાનું માલૂમ થાય છે. સૂત્રો કહે છે કે, આગામી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે જૂથવાદ વચ્ચે તૈયારીઓ આરંભી છે. કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહનો સંચાર થાય તે માટે રાહુલની મુલાકાતનો તખ્તો ગોઠવાયો છે. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરનારા યુવા મતદારોનું કોંગ્રેસ દ્વારા ૨૧મી મે ના રોજ સન્માન કરાશે. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્ત્।ે યોજાનારા આ કાર્યક્રમમાં અમદાવાદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા હાજરી આપશે અને યુવાઓ સાથે વાર્તાલાપ કરશે. રાજયના અન્ય મહાનગરોમાં પણ આ રીતના કાર્યક્રમો યોજાશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા નવું સંગઠન રચવા માટેની કવાયત તેજ થઈ છે ત્યારે ૮ મહાનગરોમાંથી ૬ મહાનગરોના પ્રમુખ બદલવામાં આવશે. સુરત, વડોદરામાં હાલ પૂરતા પ્રમુખ બદલાય તેવી શકયતા ઓછી છે. મોટે ભાગે શહેર પ્રમુખ ૫૦ વર્ષથી ઓછી વયના હશે. યુવાઓને વધુ પડતું મહત્ત્વ આપવાના કારણે કોંગ્રેસના જૂના જોગીઓમાં નારાજગી જોવા મળી રહી છે અને આગામી સમયમાં તેઓ સંગઠન સામે બંડ પોકારે તેવી શકયતા વ્યકત થઈ રહી છે. આ સ્થિતિમાં કોંગ્રેસનું હાલનું સંગઠન ખાડે ગયું છે. જૂના નેતાઓ કપાવાના છે એમ માની તેમણે કામ કરવાનું બંધ કરી દીધું છે તો યુવા ચહેરા જવાબદારી સોંપાય તે પછી કામ કરવા તૈયાર છે.(૨૧.૨૦)

(11:52 am IST)