Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

જળ સંચય અભિયાનની નબળી કામગીરીથી મુખ્યમંત્રી નારાજ કોઈપણ કચાસ નહિ ચલાવી લેવાય : અધિકારીઓને ખખડાવ્યા

અભિયાનના 15 દિવસ બાદ 30 ટકા કામો શરુ નહિ થયાનું જાણી વિજયભાઈ રાતાપીળા

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી.જેમાં રાજ્ય સરકારના જળ સંચય અભિયાન અંગે ચર્ચા થઇ હતી. જેમાં જળ સંચય અભિયાનની કામગીરીથી મુખ્યમંત્રી નારાજ થયા છે. અને કામગીરીને લઇને અધિકારીઓને આડેહાથે લીધા હતા. ઉલ્લેખનીય છે કે મહત્વના અભિયાનમાં મુખ્યમંત્રી રૂપાણી જાતે જ કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે. સીએમઓ અધિકારીઓ પાસે રોજે રોજ કામગીરીનો રીપોર્ટ મંગાવે છે. આવી સ્થિતિમાં જય સંચય અભિયાનની કામગીરીમાં કચાસ ચલાવી નહીં લેવાય એવું મુખ્યમંત્રીએ અધિકારીઓ ઉપર ગુસ્સે થતા કહ્યું હતું.

   મળતી માહિતી પ્રમાણે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસથી સુઝલામ સુફલામ જળ સંચય અભિયાનની શરૂઆત થઇ છે. જળ સંચય અભિયાન અંગે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. જેમાં અભિયાનના 15 દિવસ બાદ પણ 28થી 30 ટકા કામો શરૂ ન થયાનું જાણવા મળતા જ મુખ્યમંત્રી રાતાપીળા થઇ ગયા હતા. અને અધિકારીઓને આડેહાથે લીધા હતા. નિષ્ક્રિય કલેક્ટર સામે મુખ્યમંત્રીએ રિપોર્ટ માંગ્યો હતો. આ સાથે જિલ્લા પ્રભારીઓને કલેક્ટર સાથે સંકલન કરીને કામગીરી પૂર્ણ કરવા માટે પણ આદેશ કરાયો હતો. કોઇપણ કચાસ આ મામલે નહીં ચલાવી લેવાય એવું સીએમએ કહી દીધું છે. જ્યારે નક્કી કરેલી તારીખમાં જ કામગીરી પૂર્ણ કરવાનો પણ આદેશ આપ્યો છે.

     સુત્રાના જણાવ્યા પ્રમાણે ગાંધીનગરમાં જ 80 ટકા કામો શરૂ નથી થયા. આ ઉપરાંત 8 જિલ્લામાં 30થી લઇને 80 ટકા કામો શરૂ નથી થયા. ગુજરાતના બીજા જિલ્લાઓની વાત કરીએ તો અમેરીલીમાં 65 ટકા, કચ્છમાં 60 ટકા, જામનગરમાં 55 ટકા અને સાબરકાંઠામાં 52 ટકા કામો બાકી છે. જ્યારે અમદાવાદ, મહેસાણા, જૂનાગઢમાં 34થી 35 ટકા કામો શરૂ જ નથી થયા. પાણી માટે વલખાં મારતા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાણીનો સંચય થાય તે માટે શરૂ કરેલી મુખ્યમંત્રીનું જય સંચય અભિયાનમાં સંલગ્ન અધિકારીઓની નબળી કામગીરીના કારણે મુખ્યમંત્રી નારાજ થયા હતા

(1:35 am IST)