Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

બોર્ડની ધો.૧૦ની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા ૯ વિદ્યાર્થીઓ ઉપર ૨૦૨૧ સુધીનો પ્રતિબંધ

અમદાવાદઃ ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા ૯ વિદ્યાર્થીઓને ૨૦૨૧ સુધી પરીક્ષા આપવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. 9 વિદ્યાર્થીઓમાંથી સાત પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયા હતા જ્યારે બે ડમી સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહ્યા હતા.

બોર્ડ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારના રોજ 103 વિદ્યાર્થીઓને ઈન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. 103માંથી માત્ર 46 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને દરેકને કોપી કેસમાં સજા ફટકારવામાં આવી છે.

જે વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે હવે 2021માં SSCની પરીક્ષા આપી શકશે. તેમનું રિઝલ્ટ પણ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, પરીક્ષામાં ડિજીટલ વૉચ સાથે પકડાયેલા એક વિદ્યાર્થીએ સ્વીકાર્યું કે તેણે તે વૉચની મદદથી કૉપી કરી હતી. તે વિદ્યાર્થી પણ 2021 સુધી પરીક્ષા નહીં આપી શકે.

મોબાઈલ સાથે પકડાયેલા અન્ય 3 વિદ્યાર્થી વિરુદ્ધ સુપરવાઈઝરે કોપી કેસ ફાઈલ નહોતો કર્યો. બોર્ડે તે સુપરવાઈઝર પાસે પણ ખુલાસો માંગ્યો છે. એક કેસમાં સુપરવાઈઝરે સ્ટુડન્ટને મોબાઈલ પાછો આપી દીધો હતો. બોર્ડ તે સુપરવાઈઝરને બોલાવીને પણ આ બાબતે ખુલાસો માંગશે.

બાકીના 37 વિદ્યાર્થીઓમાંથી 19 વિદ્યાર્થીઓના પરિણામ રદ્દ કરી દેવામાં આવ્યા છે અને તે માર્ચ, 2019માં ફરીથી પરીક્ષા આપી શકશે. જ્યારે 26 વિદ્યાર્થીઓને એક વિષયમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ આ જ વર્ષે જુલાઈમાં રી-ટેસ્ટ આપી શકશે.

(7:32 pm IST)