Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રસી લેવા લોકોના ઉત્સાહમાં છેલ્લા ૧૫ દિવસથી ઘટાડો

રાજ્યભરમાં કોરોનાના ભરડાથી લોકો ઊચાટમાં : સુરતમાં ૫ એપ્રિલના રોજ ૩૨,૩૪૨ લોકોએ રસી લીધી ૧૫ એપ્રિલે ચોથા ભાગના ૯૭૯૫ લોકોએ રસી લીધી

ગાંધીનગર, તા.૧૭ : એક સમય હતો જ્યારે રસીકરણને કોરોના સામેની લડાઈમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ પછીનું મહત્વનું હથિયાર માનવામાં આવતું હતું તેના કારણે રસી મેળવવા માટે એક સમયે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળતો હતો. જોકે છેલ્લા ૧૫ દિવસમાં ઉત્સાહ ઓસરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને રસી મેળવવા વાળાઓની સંખ્યા ઓછી થઈ રહી છે. એપ્રિલના શરુઆતના દિવસોમાં રસી લેવા માટે નોંધપાત્ર ઉત્સાહ દેખાતો હતો અને રસી બૂથ લાઇન પર સારી એવી લાગતી હતી. જોકે જેમ જેમ મહિનો આગળ વધ્યો તેમ તેમ રસી લેવા આવનાર લોકોનો ઉત્સાહ ઓછો થતો ગયો હોય તેમ સંખ્યા ઘટવા લાગી છે. ઉદાહરણ તરીકે સુરતમાં એપ્રિલના રોજ ૩૨,૩૪૨ લોકોને રસી આપવામાં આવી હતી જોકે ૧૫ એપ્રિલના રોજ તેના કરતા ચોથા ભાગના માત્ર ૯૭૯૫ લોકોએ રસી મેળવી હતી.

સુરતમાં દૈનિક રસી મેળવવા વાળાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફક્ત સુરતની વાત નથી બીજે પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ મહાનગર પાલિકાના અધિકારીએ કહ્યું કે રસી મેળવવા પાછળ લોકોની સંખ્યામાં ઘટાડાનું કારણ પણ હોઈ શકે છે કે રસી આપનારા મેડિકલ સ્ટાફમાંથી ઘણાને કોરોના ફરજ પર હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ લોકો ડરના માર્યા ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે.

હજુ ગયા મહિનાની વાત કરીએ તો ૪૫ વર્ષની ઉંમરના સહિત ઘણા લોકો રસી મેળવવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. તેમજ યુવાન લોકો પણ ક્યારે પોતાનો વારો આવશે તેની ઉતાવળ સાથે રાહ જોઈ રહ્યા હતા. જોકે હવે ઉત્સાહ ઓસર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડો. દેવેશ પટેલે કહ્યું કે, એક સમય હતો જ્યારે ૪૫ કે તેનાથી વધુ ઉંમરના લોકો વચ્ચે કોરોના રસી મેળવવા માટે ઉતાવળ જોવા મળતી. જોકે હાલના દિવસોમાં ખૂબ ઓછા લોકો રસી લેવા માટે આવે છે. અમે બાબત નોંધી છે અને તેની પાછળનું કારણ સમજવા પ્રયાસ કરી રહ્યા છીએ.

જોકે સૂત્રોનું માનીએ તો હજુ પણ ઘણા લોકો રસી મૂકાવવા માગે છે પરંતુ રસીકરણના કેન્દ્ર પર ભીડ હોય અને તેમાંથી કોઈ પોઝિટિવ હોય તો તેમને ચેપ લાગી જશે તેવી બીકે બહાર નીકળતા ડરી રહ્યા છે. કેસમાં સતત વધારા અને હોસ્પિટલોની સ્થિતિના સમાચાર જાણીને ઘણા લોકો ઘરમાંથી બહાર નીકળવાથી ડરી રહ્યા છે અને જરુરી જણાય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાથી બચી રહ્યા છે. તો બીજી એવી પણ શંકા વ્યક્ત કરવામં આવી રહી છે કે કોરોના કેસ વધતા લોકોને રસીની સુરક્ષા પ્રદાન કરવાની ક્ષમતા પર પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. તો કેટલાક લોકો તેની સાઇડ ઇફેક્ટથી પણ ડરી રહ્યા છે.

રસીના કારણે સાઇડ ઇફેક્ટથી કેટલાક લોકોના મોત થતા લોકોમાં હવે રસીને લઈને થોડો ડર પણ સતાવી રહ્યો છે. તો કેટલાક લોકોને રસી ખરેખર તેમને કોરોનાથી બચાવશે કે કેમ તેનો પ્રશ્ન મગજમાં સતાવી રહ્યો છે. જોકે કેટલાક ડોક્ટરો પણ કહી રહ્યા છે કે ભલે કદાચ કોરોના રસી લીધા પછી પણ કોરોના સંક્રમણ નહીં થાય તેની ગેરંટી નથી પરંતુ જો થશે તો સંક્રમણની તીવ્રતાને ઘટાડવામાં રસી મદદરુપ છે. સિવિક બોડીઝ, હોસ્પિટલો અને ડોક્ટર્સ લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા કેમ્પેઇન કરી રહ્યા છે જોકે લોકો પર તેની ખાસ અસર જોવા મળી રહી નથી.

(9:05 pm IST)