Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રાજ્યમાંથી મોટા પ્રમાણમાં પ્રવાસી મજૂરોની હિજરત શરૂ

કોરોના વધતા કહેરમાં ફરી પાછી આફત : લોકડાઉન આવે તો ફસાઈ જવાના ડરે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ વતન તરફ જવા લાગ્યા

અમદાવાદ, તા.૧૭ : ગુજરાતભરમાં ફરીથી કોરાનાનો કહેર વધી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં શ્રમજીવીઓ ગુજરાતથી પોતાના વતન તરફ જઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં શ્રમજીવીઓની શરૂ થયેલી હિજરતને કારણે ગુજરાતના ઉદ્યોગપતિઓ ચિંતાતુર બન્યા છે. ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ કોરોના કાબૂમાં નહીં આવતા લોકડાઉન આપવામાં આવે તો ફસાઈ જવાના ડરે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ વતન તરફ જવા લાગ્યા છે. તેની સીધી અસર માંડ સેટ થઈ રહેલા  ઉદ્યોગો પર પડી રહી છે. બીજી તરફ, ગુજરાતના ઉદ્યોગપતિઓ દ્વારા શ્રમજીવીઓને વતન જતા અટકાવવા માટેના પ્રયાસ પણ શરૂ થઈ ગયા છે.

દેશમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ લગભગ ત્રણ મહિના સુધી લોકડાઉનનો કડક અમલ થયો હતો જેને કારણે દેશભરમાં વેપાર-ધંધા ઠપ થઈ ગયા હતા. પરિસ્થિતિમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ લાખોની સંખ્યામાં ગુજરાતમાં કામ ધંધા માટે આવેલા શ્રમજીવીઓ પરિવાર સાથે અટવાઈ ગયા હતા. કામધંધા બંધ થઈ જતા આવક અટકી ગઈ હતી. જે બચત હતી તે પણ ખર્ચાઈ ગઈ હતી. લોકડાઉન બાદ ધીરે ધીરે વેપાર-ધંધા ઉદ્યોગો શરૂ થયા અને બજારોમાં ફરીથી ધમધમતા હતા મોટાભાગના શ્રમજીવીઓ પરત આવી ગયા હતા. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ ફરીથી કોરોના સંક્રમણ વધી ગયું છે. પરિસ્થિતિમાં તમામ શ્રમજીવીઓને જો ફરીથી લોકડાઉનનો અમલ શરૂ થાય તો શું કરવું? ચિંતા સતાવી રહી છે. જેને કારણે શ્રમજીવીઓ પોતાના પરિવારના સભ્યો સાથે ફરીથી ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ અને બિહાર પોતાના વતન તરફ રવાના થઇ રહ્યા છે.

(9:03 pm IST)