Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

૮.૩૬ કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો

વલસાડના ભિલાડમાં દારૂની નદી વહીં : વલસાડના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મહિને લાખોનો દારૂનો જથ્થો ઝડપાય છે, મેદાનમાં દારૂના ખાબોચીયા ભરાયા

વલસાડ,તા.૧૭ : વલસાડ જિલ્લા પોલીસે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ અને હાજરીમાં કોર્ટના નિર્દેશ અનુસાર ભીલાડ ચેકપોસ્ટ નજીક જિલ્લાના આઠ પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયમાં પકડાયેલા અંદાજે ૮.૩૬ કરોડ રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.આમ કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળતા સ્થળ પર જાણે દારૂની નદીઓ વહી હતી. મહત્વપૂર્ણ છે કે ગુજરાતના પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણમાંથી બુટલેગરો અવનવી તરકીબો અજમાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રયાસ કરે છે. પરંતુ વલસાડ જિલ્લા પોલીસ બુટલેગરોની ચાલાકીને પકડી પાડે છે.

 આથી વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મહિને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાય છે. રોજના મોટી માત્રામાં ઝડપાતા વિદેશી દારૂના જથ્થાને લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખવો શક્ય ન હોવાથી કોર્ટના આદેશ મુજબ સમયાંતરે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ઝડપાતા વિદેશી દારૂના જથ્થાને કોર્ટના નિર્દેશ અનુસાર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવે છે. આ વખતે પણ વલસાડ જિલ્લાના અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા ભીલાડ ચેકપોસ્ટ નજીક બંધ કચેરીના બાજુના મેદાનમાં જિલ્લાના વાપી ટાઉન, વાપી જીઆઇડીસી, જીઆઇડીસી, ડુંગરા ,ભીલાડ સહિત જિલ્લાના ૮ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો અંદાજે ૮.૩૬ કરોડ રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યા હતા. તેને કારણે થોડા સમય સુધી વિદેશી દારૂની જાણે નદી વહી હતી અને મેદાનમાં દારૂના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આમ દર વર્ષે વલસાડ જિલ્લા પોલીસ કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડે છે. તેમ છતાં દારૂના ગેરકાયદેસર ધંધામાં મોટી કમાણી હોવાથી સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરફેર પર પૂર્ણ રોક લાગતી નથી. બુટલેગરો અવનવી તરકીબો અજમાવી અને ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રયાસ કરે છે પરંતુ પોલીસ બુટલેગરોની આવી તરકીબોને ઝડપી લાખો અને કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડે છે.

(7:27 pm IST)