Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

આણંદ:વાસદ-તારાપુર હાઇવે નજીક પોલીસે વિદેશી દારૂનો જથ્થો લઈને જતા આઇસર ટેમ્પાને અટકાવી 17.71 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવરને ઝડપી પાડયો

આણંદ : વાસદ-તારાપુર હાઈવે ઉપર કંથારીયા નજીકથી આણંદ એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહેલ એક આઈસર ટેમ્પાના ચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે રૂા.૧૭.૭૧ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ ટેમ્પો, મોબાઈલ અને રોકડ મળી કુલ્લે રૂા.૩૨.૭૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્શ વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાસદ-તારાપુર હાઈવે ઉપર કંથારીયા નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમી મુજબનો આઈસર ટેમ્પો ત્યાં આવી ચઢતા પોલીસે શંકાના આધારે તેને અટકાવ્યો હતો અને ડ્રાઈવરના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે હનુમાનરામ ઘમંડરામ જાટ (રહે.ગામ-ધોરીમના મિઠડા, ખુર્દ. ખેતરમાં, તા.ગુડામાલાની, જી.બાડમેર, રાજસ્થાન) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે આઈસર ટેમ્પાની તલાશી લેતા અંદરથી ડાંગરના ફોતરા ભરેલ મીણીયાની કોથળી નજરે પડયા હતા. જો કે પોલીસે કોથળી હટાવી જોતાં અંદરથી જુદા જુદા માર્કાની વિદેશી દારૂની ૩૪૮ નંગ પેટીઓ મળી આવી હતી. પોલીસે ૪૧૮૬ નંગ વિદેશી દારૂની બોટલ જેની અંદાજિત કિંમત રૂા.૧૭,૭૧,૨૦૦ તેમજ આઈસર ટેમ્પો, મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ્લે રૂા.૩૨,૭૯,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આયસર ટેમ્પાના ચાલકને આંકલાવ પોલીસ મથકના હવાલે કરતા  આંકલાવ પોલીસે ઝડપાયેલ શખ્શ વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:08 pm IST)