Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કેસ ફેટિલિટી રેટમાં અમદાવાદ આખા દેશમાં સૌથી ઉપર

આખા ગુજરાતમાં કોરોનાથી થયેલા પાંચ હજાર જેટલા મોતમાંથી માત્ર અમદાવાદના જ ૨૫૦૦

અમદાવાદ, તા.૧૭: ગુરુવારે ગુજરાતમાં કોરોનાથી અત્યારસુધી થયેલા મોતનો આંકડો ૫ હજારને પાર કરી ગયો હતો. તેના એક દિવસ પહેલા જ અમદાવાદમાં અત્યારસુધી કોરોનાનો ભોગ બનેલા લોકોની સંખ્યા ૨૫૦૦ પર પહોંચી ગઈ હતી. કોઈએક જિલ્લામાં કોરોનાથી થયેલા મૃત્યુના મામલે અમદાવાદ દેશમાં દસમા સ્થાને છે. અમદાવાદનો કેસ ફેટિલિટી રેટ એટલે કે CFR ૨.૭ ટકા જેટલો છે, જે દેશમાં ૨૫૦૦થી વધુ મોતનો આંકડો ધરાવતા ૧૧ જિલ્લામાં સૌથી વધારે છે.

આટલું જ નહીં, ગુજરાતમાં કોરોનાથી જે પાંચ હજાર લોકોના મોત થયા છે, તેમાંથી અડધોઅડધ તો માત્ર અમદાવાદના જ છે. આમ, રાજયમાં થયેલા કુલ મોતના ૫૦ ટકા મોત એક જ જિલ્લામાં થયા હોય તે બાબતે પણ અમદાવાદ આખા દેશમાં સૌથી આગળ છે. અમદાવાદની સરખામણી ચેન્નૈ સાથે કરીએ તો તમિલનાડુમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુમાં ચેન્નૈનો ફાળો ૩૩ ટકા જેટલો છે, જયારે મહારાષ્ટ્રના કુલ મૃતકોમાંથી ૨૧ ટકા મુંબઈમાં નોંધાયા છે.

કેસ ફેટિલિટી રેટની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં તે ૨.૭ ટકા જેટલો છે, જે મુંબઈ કરતાં પણ વધારે છે. મુંબઈમાં કોરોનાથી અત્યારસુધી ૧૨,૨૫૦ લોકોના મોત થયા છે, જયારે તેનો સીએફઆર ૨.૨ ટકા છે. કોલકાતામાં પણ કોરોનાથી થયેલા મોતનો આંકડો અમદાવાદથી વધુ છે. શહેરમાં અત્યારસુધી ૩,૧૯૧ લોકોએ જીવ ગુમાવ્યો છે, પરંતુ તેનો સીએફઆર ૨.૧ ટકા છે. આ સિવાય અમદાવાદથી વધુ મૃતકો પરંતુ ઓછો સીએફઆ ધરાવતા જિલ્લામાં ચેન્નૈ, દિલ્હી, થાણે, નાગપુર, પુણે તેમજ નાશિકનો પણ સમાવેશ થાય છે. જેમાં ચેન્નૈમાં અત્યારસુધી ૪,૩૧૬, દિલ્હીમાં ૧૧,૭૯૩, થાણેમાં ૬,૩૬૦, નાગપુરમાં ૪,૪૩૮, પુણેમાં ૮,૭૪૨ જયારે નાશિકમાં ૨,૫૪૭ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.

અમદાવાદમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓનો આંકડો ખૂબ જ ઉંચો હોવાનું બીજું એક કારણ એ પણ છે કે શહેરમાં આખા રાજયમાંથી ક્રિટિકલ દર્દીઓને સારવાર માટે લવાતા હોય છે. અમદાવાદની વસ્તી પણ ખૂબ જ વધારે છે. આ સિવાય અમદાવાદીઓની ઓવરઓલ હેલ્થ પ્રોફાઈલ પણ આ અંગે જવાબદાર હોઈ શકે છે તેવો મત શહેરના એક પબ્લિક હેલ્થ એકસપર્ટે વ્યકત કર્યો હતો. ૨૦૨૦માં કોરોનાનો પ્રારંભિક તબક્કો અમદાવાદ માટે ઘણો જ ઘાતક નીવડ્યો હતો. એક સમયે તો શહેરમાં કોરોનાથી મોતને ભેટતા મૃતકોનો રોજનો આંકડો ૩૯ સુધી પહોંચી ગયો હતો. જે ત્યારબાદ ૧૨-૧૭ જેટલો થયો હતો. જોકે, ૨૦૨૧માં આવેલા કોરોનાના નવા રાઉન્ડમાં ફરી મૃતકોનો આંકડો વધી રહ્યો છે. અત્યારસુધી અમદાવાદમાં ૧૬ એપ્રિલના રોજ સૌથી વધુ ૨૬ લોકોના મોત નોંધાયા હતા.

(4:04 pm IST)