Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

હવે દેશભરમાં કાળાબજારિયા તત્વો પાસેથી પકડાતા રેમડેસિવિર ઇન્જેકશન ગરીબ લોકોને મળે તેવો રસ્તો ખુલ્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પહેલ : ૩૫ ઇન્જેકશન મુદ્દામાલ તરીકે રાખવાના બદલે સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ માટે આપ્યા : ક્રાઇમ બ્રાન્ચ વડા પ્રેમવીરસિંહ ટીમ દ્વારા માનવીય અભિગમ દાખવી અદાલત પાસેથી પરવાનગી મેળવવા ઘણા ગરીબ લોકોના જીવ બચી જશે : 'અકિલા' સાથેની વાતચીતમાં એસીપી ક્રાઇમ ડી.પી.ચુડાસમા હૈયે ટાઢક વળે તેવા ખુશખબર આપે છે

રાજકોટ તા. ૧૭ : કોરોના મહામારી માટે લોકો જેને રામબાણ બ્રહ્માસ્ત્ર માની રહ્યા છે, અને જેની ખૂબ જ અછત હોવાથી લોકો ચારે બાજુ હેરાન પરેશાન થઈ ધક્કા ખાઈ રહ્યા છે તેવા રેમડેસિવિર ઈન્જેકશન કાળાબજારિયા તત્વો પાસેથી કબ્જે કરનાર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખુબજ માનવીય અભિગમ દાખવી કબ્જે કરેલ ૩૫ ઈન્જેકશન અમદાવાદ સિવિલ હોસ્પિટલને ગરીબ દર્દીઓ માટે સોંપવાનો નિર્ણય કરતા લોકોમાં ખુશીની લહેર સાથે પોલીસના આવા વલણની ચો તરફ પ્રસંશા થઇ રહી છે.

ઉકત બાબતે 'અકિલા' સાથેની વાતચીતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસીપી ડી.પી.ચુડાસમાએ ઉકત બાબતને સમર્થન આપેલ છે. તેઓ દ્વારા વિશેષમાં જણાવેલ કે ગત ૧૫ એપ્રિલના રોજ લોકોની લાચારીનો લાભ ઉઠાવી કાળાબજાર કરતા તત્વો ઝુંબેશ દરમિયાન પકડાયેલ, જેની પાસે ૩૫ ઈન્જેકશન પકડવામાં આવેલ.
 

પકડાયેલ આ ઈંજેકેશન હાલની અછતની સ્થિતિમાં જરૂરિયાતમંદો ગરીબ લોકોને મળે તો ઘણા લોકોના જીવન ઉગારી શકાય, આ માટે ક્રાઇમ બ્રાન્ચ વડા પ્રેમવીરસિંહ વિગેરે સાથે ચર્ચા કરી અદાલતની મંજૂરી માટે પ્રક્રિયા હાથ ધરી. સરકારી વકીલ પણ આવા માનવીય અભિગમથી ખુશ થઈ અદાલત પાસે રજૂઆત કરી , અદાલત પણ આ મામલે ખૂબ જ સક્રિય હોય અદાલત દ્વારા પણ આવા માનવ કલ્યાણના કાર્યને મંજૂરી આપવામાં આવી છે.

અત્રે યાદ રહે કે રાજયના મુખ્ય પોલિસવડા આશિષ ભાટિયા દ્વારા આવા કાળાબજાર કરતા તત્વોને કોઈ પણ ભોગે ઝડપી લેવા આદેશ અપાયા છે, વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંઘ અને તેમના બેચમેટ એવા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ આ મામલે કાર્યવાહી કરાવી રહ્યા છે.

(2:48 pm IST)