Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

શ્વાસ માટે સંઘર્ષ

હોસ્પિટલ લવાતા ૮૦% દર્દીને રાખવા પડે છે ઓકસીજન ઉપર

અમદાવાદમાં ભયાનક સ્થિતિ : સામાન્ય દર્દીને એક મિનિટમાં ૧ થી ૪ જ્યારે ICUના પેશન્ટને એક મિનિટમાં ૧૦ લિટર ઓકિસજન આપવો પડે છે

અમદાવાદ તા. ૧૭ : શહેરના પ્રભાતચોકમાં રહેતા ૫૦ વર્ષના સુધીરભાઈ જાધવનું શુક્રવારે સવારે સિવિલ હોસ્પિટલમાં મોત થયું. તેમનો RT-PCR નેગેટિવ હતો. પરંતુ ગુરૂવારે રાત્રે તેઓ શ્વાસ જ નહોતા લઈ શકતા. તેમની તબિયત અચાનક જ લથડતાં પરિવારજનોએ રાત્રે ૯ વાગ્યે ૧૦૮ પર ફોન કર્યો, જયાં તેમને રાહ જોવા કહેવામાં આવ્યું. તેમની દીકરી તેમને AMC દ્વારા ચલાવાતી પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈને ગઈ, પરંતુ ૧૦૮માં ના આવ્યા હોય તેવા દર્દીને એડમિટ કરવાનો હોસ્પિટલે ઈનકાર કરી દીધો.

કલાકો સુધી રાહ જોયા બાદ પણ ૧૦૮ ના આવતા રાત્રે દોડાદોડ કરી પરિવારજનોએ છેક વિરમગામથી એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા. જોકે, ત્યાં સુધી તો સુધીરભાઈના જાણે શ્વાસ જ અટકી ગયા હતા. થોડીવારમાં જ તેમને કહી દેવાયું કે હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા.

અમદાવાદમાં અત્યારે હાલત એવી છે કે, હોસ્પિટલમાં લવાતા કોરોનાના ૮૦ ટકા જેટલા દર્દીઓને ઓકિસજન પર રાખવા પડે છે. દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થતાં ઓકિસજનની ડિમાન્ડમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જોકે, સામે સપ્લાય ઓછો હોવાથી ઘણી હોસ્પિટલો ઓકિસજનની તંગીનો સામનો કરી રહી છે. સુશ્રૃષા હોસ્પિટલના ડિરેકટર ડો. ઈશાન શાહના જણાવ્યા અનુસાર, ૮૦ ટકા દર્દીઓને ઓકિસજન પર રાખવા પડે છે.

વાયરસની બદલાયેલી પેટર્ન વચ્ચે હોસ્પિટલમાં લવાતા દર્દીઓમાં વાયરલ લોડ પણ ખૂબ જ વધી ગયેલો હોય છે. જેના કારણે તેમના ફેફસાં પર તેની ગંભીર અસર પડે છે. જેના કારણે મોટાભાગના દર્દીઓને ઉપરથી ઓકિસજન આપવો પડે છે. સરેરાશ એક દર્દીને એક મિનિટમાં ૧થી ૪ લિટર ઓકિસજન આપવો પડે છે, જો દર્દી આઈસીયૂમાં હોય તો એક મિનિટમાં ૧૦ લિટર ઓકિસજન ચઢાવવો પડે છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. જે.પી. મોદીના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૫ દિવસમાં ઓકિસજન ચઢાવવો પડે તેવા દર્દીઓની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. સિવિલમાં ૫૫ ટનની લિકિવડ ઓકિસજન ટેંક છે, જે પહેલા તો દર ૨-૩ દિવસે ખાલી થતી હતી, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે તેને એક જ દિવસમાં ૨-૩ વાર રિફિલ કરવી પડે છે.

એકસપર્ટ્સનું માનીએ તો શરૂઆતના સ્ટેજમાં મોટાભાગના દર્દીઓ ઘરે જ સારવાર લેતા હોય છે. તેઓ હોસ્પિટલ સુધી પહોંચે ત્યાં સુધી સ્થિતિ વણસી ચૂકી હોય છે. જેથી હોસ્પિટલમાં આવતા જ તેમને ઓકિસજન પર મૂકવા પડે છે. હાલ ૧૦ બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલમાં પણ એક દિવસનો ૬૦ હજાર લિટર ઓકિસજન ઉપયોગમાં લેવાય છે. દિવાળી પછી જયારે કોરોનાના કેસ વધ્યા, તે વખતે ઓકિસજનની ડિમાન્ડ ૨૫૦ મેટ્રિક ટન હતી, જે હાલ વધીને ૭૩૦ મેટ્રિક ટન થઈ ગઈ છે.

કોરોનાનો ચેપ ફેફસાંમાં ફેલાય તે સાથે જ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. રોગચાળાના શરૂઆતના તબક્કામાં વેન્ટિલેટર પર મૂકવા પડતા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ હતી. જોકે, ડોકટર્સને જલ્દીથી સમજાઈ ગયું હતું કે તેનાથી પણ દર્દીના બચવાના ચાન્સ ખૂબ ઓછા થઈ જાય છે. જેથી તેમણે દર્દીઓને હાઈ-ફલો પોઝિટિવ પ્રેશર ઓકિસજન સપ્લાય આપવાનું શરૂ કર્યું. ઈન્ફેકશન કેટલું ગંભીર બની ચૂકયું છે તેના આધારે દર્દીને નાક દ્વારા, BiPAP કે પછી વેન્ટિલેટર દ્વારા ઓકિસજન આપવામાં આવે છે. દર્દીઓને ઊંધા સૂવાડવામાં આવે છે, જેના કારણે પણ તેમને શ્વાસ લેવામાં સરળતા રહે છે.

(10:19 am IST)
  • હવે મુંબઇમાં સંપૂર્ણ લોકડાઉન થશે? બીઍમસી મેયર કિશોર પેડનેકરે કહ્નાં છે કે, હાલની પરિસ્થિતિ જાતા મુંબઇમાં તાળાબંધી રાખવી ઍ ઍકમાત્ર વિકલ્પ બાકી છે access_time 5:37 pm IST

  • રેલ્વે એકટ હેઠળ રેલ્વેના પ્રિમાઈસીસમાં માસ્ક નહિં પહેરનારને સજા કરવામાં આવશે : આ જાગવાઈનું ઉલ્લંઘન કરનારને ૫૦૦ રૂ. સુધીનો દંડ થશે : માસ્ક નહિં પહેરનારને ૫૦૦નો દંડ access_time 2:03 pm IST

  • દેવગૌડાના પુત્ર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કોરોનામાં સપડાયા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.પી. કુમારસ્વામીને કોરોના પોઝીટીવ વળગ્યો છે : તેઓને મનીપાલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે : તેમના પિતા અને દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાને તાજેતરમાં જ કોરોના પોઝીટીવ આવેલ હતો access_time 1:04 pm IST