Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કઠલાલના મુવાડીમાં બે બંધ મકાનોમાંથી તસ્કરોએ 5 લાખની મતાની ઉઠાંતરી કરી

કઠલાલ: તાલુકાના છલુજીની મુવાડીમાં વહેરાઈ માતાના મંદિરે પ્રસંગ હોઈ બપોરે રાખેલા સમુહ ભોજનમાં બે પિતરાઈ ભાઈઓ મકાનને તાળુ મારી સહપરિવાર સાથે પ્રસંગમાં ગયાં હતાં. તે સમયે ધોળા દહાડે બે મકાનમાં પ્રવેશી તસ્કરો ભાણીના લગ્નના મામેરા માટે લાવેલ પાંચ લાખનું કરીયાવર ચોરી કરીને ભાગી છૂટ્યાં હતાં. 

મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના છલુજીની મુવાડીમાં રહેતાં શિશુપાલ ભીખાભાઈ રાઠોડની કૌટુંબીક બહેનની પુત્રીનુ લગ્ન હોઈ મામેરુ કરવાનું હતું. જેથી તેઓ જરૂરી રકમ બેંકમાંથી ઉપાડી લાવ્યાં હતાં. અને એક કિલો ચાંદીના દાગીના ઘડાવ્યાં હતાં. તેમના કાકાના પુત્ર પોપટભાઈ ડાહ્યાભાઈ રાઠોડે પણ આ માટે જરૂરી તૈયારીઓ કરી હતી. આ બંને બાજુબાજુમાં રહેતાં હતાં. ગઈકાલે તા.૧૫-૪-૧૯ ના રોજ ગામમાં આવેલ વહેરાઈ માતાના મંદિરે ધાર્મિક પ્રસંગ હતો. જેથી ગામ લોકો માટે સમુહ ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. આ પ્રસંગમાં શીશુપાલ તેમજ તેમના પિતરાઈ ભાઈ પોપટભાઈ મકાનને તાળુ મારી સહકુટુંબ સાથે ગયાં હતાં. દરમિયાન બંને ભાઈઓના મકાનમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને મકાનમાં ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

(5:43 pm IST)