Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

થરામાં ભાજપની જાહેરસભા બાદ પૈસા વહેંચવા મામલે પોલીસ ફરિયાદ

વિડિઓ વાયરલ થયા બાદ તપાસના નિષ્કર્ષ બાદ પોલીસ ફરિયાદ દાખલ થતા ખળભળાટ

થરા :કાંકરેજ વિધાનસભા મતવિસ્તારના તાણા ગામે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કરેલા બાઈક સવારોને પૈસા વહેંચવા બાબતે તાલુકા પંચાયત ડેલીગેટ ગૌસ્વામી હંસપુરી ભેમપુરી સામે થરા પોલીસ મથકમાં આચારસંહિતા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

    આ અંગેની વિગત મુજબ ૩-પાટણ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૫-કાંકરેજ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ કાંકરેજ તાલુકાના તાણા ગામે તા.૦૯/૦૪/૧૯ ના રોજ ભારતીય જનતા પક્ષ દ્વારા યોજાયેલ પુરૂષોત્તમ રૂપાલાની જાહેરસભા પૂર્ણ થયા બાદ સભા સ્થળ પાસે તાલુકા પંચાયત ડેલીગેટ ગૌસ્વામી હંસપુરી ભેમપુરી દ્વારા બાઈકસવારોને પૈસા આપતો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાઈરલ થયો હતો

  . આ વિડીયોમાં ભાજપના હંસપુરી ગોસ્વામી પક્ષનો ખેસ ધારણ કરેલા બાઈકસવારોને પૈસા વહેંચી રહ્યા હોવાનું જણાતા ચૂંટણી અધિકારીશ્રી પાટણ સંસદીય મતદાર વિભાગ અને જીલ્લા ચૂંટણી અધિકારી, કલેકટર પાટણ દ્વારા ૧૫-કાંકરેજ વિધાનસભા મતવિસ્તાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીને ઘટના બાબતે તાત્કાલીક તપાસ કરી આ અંગે જવાબદાર જણાય તેવા લોકો સામે લોકપ્રતિનિધીત્વ ધારાની કલમ ૧૨૩ અને આઈ.પી.સીની કલમ ૧૭૧(બી) હેઠળ કાયદેસરની પોલીસ ફરિયાદ સહીતની આચારસંહિતાની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

  જે અનુસંધાને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા આ બાબતે પૂરતી તપાસ બાદ તા.૧૪/૦૪/૧૯ ના રોજ હંસપુરી ગૌસ્વામી (રહે. ગામ શિહોરી, તાલુકો કાંકરેજ )સામે થરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર થરા દ્વારા કરવામાં આવી રહી છે. ૩-પાટણ લોકસભા મતદાર વિભાગમાં આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે સમગ્ર ચૂંટણીતંત્ર કટીબદ્ધ છે અને આવી ચૂંટણી આચારસંહિતા ભંગની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં તેમ ચૂંટણી અધિકારી ૩-પાટણ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે

(10:58 am IST)