Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રાજ્યમાં તમામ મહાનગરોમાં બાંધકામની મંજૂરી 48 કલાકમાં મળશે

વિકાસ પરવાનગી મેળવવાનું ઓનલાઇન ફરજીયાત કરાયું :મંજૂરી અંગે 48 કલાકમાં મળશે સૂચના

અમદાવાદ:રાજ્યમાં અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકા અને કોર્પોરેશન તેમજ ઔડા સહિતની તમામ ઓથોરિટીમાં વિકાસ પરવાનગી  મેળવવાનું ઓનલાઈન ફરજિયાત કરાયું છે ત્યારે હવે ઓનલાઈન અરજી કર્યેથી અરજદારને બાંધકામ માટેની મંજૂરી મળશે કે નહીં મળે તેની એસએમએસ, ઈ-મેઈલ અને વેબસાઈટ પર માહિતી ૪૮ કલાકમાં મળી જશે.

    બાંધકામ અંગે તૈયાર કરાયેલા ઓનલાઈન સોફ્ટવેરમાં અરજદારે રોડની પહોળાઈ, પ્લોટની સાઈઝ વગેરે અપલોડ કરવાનું રહે છે તેના ૪૮ કલાકમાં બાંધકામની મંજૂરી મળવાપાત્ર છે કે કેમ તેનો એસએમએસ તેને મળી જશે. જ્યારે સાત દિવસથી અંદર અધિકારી જમીનનો ટાઈટલ ક્લિયર રિપોર્ટ બરાબર છે કે નહીં તેના આધારે ડિજિટલ સહીથી મંજૂર કે નામંજૂરનો પત્ર પણ ઓનલાઈન મૂકી દેશે.

   આજથી સરકારે ઓનલાઈન વિકાસ પરવાનગી ફરજિયાત કરી છે ત્યારે અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ કરી છે. અધિકારીએ અરજદારે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હશે તે અને જમીનનો ટાઈટલ રિપોર્ટ ચેક કરી સાત દિવસમાં જ બાંધકામ પરવાનગીનો જવાબ આપી દેવો પડશે.

    આજથી અરજદારે httpe.lfp.gujarat.gov.in પર બાંધકામ પરવાનગીની અરજી કરવાની રહેશે અને પોર્ટલમાં જણાવ્યા મુજબના દસ્તાવેજ ઓનલાઈન જોડવાના રહેશે. આ અરજીના બે દિવસમાં અધિકારીની ડિજિટલ સિગ્નેચરથી અરજદારને ઈ-મેઇલ કરાશે અને સાઈટ પર અપલોડ થશે. આમ, અરજદારે હવે કચરીના ધક્કા ખાવા નહીં પડે. અધિકારીઓને વારંવાર ફોલોઅપ માટે પણ મળવું પડશે નહીં. ઓનલાઈન અરજીની સાથે ચકાસણી પણ ઓનલાઈન થશે.

(11:57 pm IST)