Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ભુદરપુરા બબાલ મામલામાં પોલીસની ઉંડી ચકાસણી શરૂ

આરોપીઓને પકડી પાડવાની માંગ સાથે આક્રોશઃ ૫૦૦થી વધુ લોકોના ટોળાએ મોડી રાત્રે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો :ટીયરગેસના ૨૫થી વધુ શેલ છોડવા ફરજ

અમદાવાદ,તા.૧૭: ભુદરપુરા વિસ્તારમાં ગઈકાલે રાજપૂતોની નયનાબા જાડેજા હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિક યુવતીઓની છેડતી કરાતાં જોરદાર બબાલ થઇ હતી, જેમાં ૫૦૦થી વધુ સ્થાનિકોના ટોળાંએ હોસ્ટેલ પર હુમલો કરી ૧૫ જેટલા વાહનો ફુંકી માર્યા હતા અને હોસ્ટેલ બંધ કરવાની અને આરોપી તત્વોને પકડવાની માંગણી સાથે જોરદાર હોબાળો મચાવ્યો હતો. જેને પગલે વાતાવરણ તંગ બની ગયુ હતું. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવા છતાં પોલીસ અડધો કલાક સુધી ઘટનાસ્થળે પહોંચી ન હતી અને ફરિયાદ પણ લીધી ન હતી. જેને પગલે રોષે ભરાયેલા ટોળાંએ એલિસબ્રિજ સ્ટેશનનો ઘેરાવો કરી આશ્રમ રોડ પર ટ્રાફિક થંભાવી દીધો હતો. મામલો વધુ વણસતાં છેવટે પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. મહિલાઓએ પોલીસની ભૂમિકાની ભારોભાર ટીકા કરી એક તબક્કે પોલીસ પર બંગડીઓ ફેંકી હતી. ગઈકાલે બબાલ કરનારા આરોપીઓને પોલીસ દ્વારા છોડી દેવાતાં આજે સ્થાનિકોએ ભારે આક્રોશ સાથે આરોપીઓને પકડવાની માંગણી સાથે ફરીવાર એલિસબ્રીજ પોલીસ સ્ટેશનને ઘેરી લીધુ હતું. ભુદરપુરાના આ બનાવને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરભરમાં જબરદસ્ત ચકચાર જગાવનાર આ બનાવની વિગત એવી છે કે, આઁંબાવાડીના ભુદરપુરા વિસ્તારમાં રાજપૂત સમાજની નયના બા જાડેજા હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિક યુવતીઓની છેલ્લા ઘણા સમયથી છેડતી કરવામાં આવતી હોવાની અને સ્થાનિક મહિલાઓને હેરાન-પરેશાન કરાતી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. ગઇકાલે પણ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા આવી જ કંઇક હરકત કરવામાં આવતાં વાત ધાર્યા કરતાં વણસી હતી. સ્થાનિક રહીશોના ૫૦૦થી વધુ લોકોના ટોળાએ સમગ્ર વાતને ગંભીરતાથી લઇ હોસ્ટેલ પર હુમલો બોલી દીધો હતો. રોષે ભરાયેલા લોકોએ હોસ્ટેલ પાસેના ૧૫ જેટલા વાહનોને આગમાં સળગાવી દીધા હતા. આગની ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા તો ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફાયરબ્રિગેડના જવાનો પર પણ પથ્થરમારો કર્યો હતો અને ત્યાંથી જતા રહેવા ધમકી આપી હતી. હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસને બોલાવતાં પોલીસે આવી પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસના ધાર્યા કરતાં પણ પરિસ્થિતિ વધુ ખરાબ અને બેકાબૂ હતી. ટોળાએ પોલીસના જવાનો પર પણ પથ્થરમારો કર્યો હતો. છેવટે પરિસ્થિતિને કાબૂમાં લેવા ૨૫થી વધુ ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી અને ભારે જહેમત બાદ સ્થિતિ કાબૂમાં કરી હતી. પોલીસે ટોળાને વિખેરી નાંખી મામલો શાંત પાડયો હતો. જો કે, ઘટના પાછળ અલગ-અલગ વાતોની ચર્ચા ચાલી રહી છે જે મુજબ, દલિત સમાજ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાન વખતે પણ ભુદરપુરામાં આવેલા આંબેડકર કોલોનીના સ્થાનિકો અને રાજપૂત યુવા સંઘના છાત્રાલયના વિદ્યાર્થીઓ વચ્ચે ખટપટ થઈ હતી. તો બીજી તરફ, કેટલાક છાત્રોનું એમ પણ કહેવું હતું કે, સોમવારે રાત્રે એક શખ્સ દારુ પીને હોસ્ટેલના વિદ્યાર્થીઓને બેફામ ગાળો આપી રહ્યો હતો. તે દરમિયાન બંને પક્ષે બોલાચાલી થતાં આ શખ્સ ૧૫-૨૦ લોકોનું ટોળું લઈ આવ્યો હતો અને ટોળાંએ હોસ્ટેલ પર પથ્થરમારો શરુ કરી દીધો હતો. વાહનોને આગ ચાંપી દેવાતા વિદ્યાર્થીઓ એટલા ડરી ગયા હતા કે, તેમને પણ જીવતા સળગાવી દેવાશે તેવો ભય લાગ્યો હતો. ટોળાંએ કરેલા પથ્થરમારામાં ફાયર બ્રિગેડનો એક જવાન પણ ઘાયલ થયો હતો. તોફાની બનેલા ટોળાંએ હોસ્ટેલ પર પથ્થરમારો કરવાની સાથે તોડફોડ પણ કરી હતી. રાત્રે એક વાગ્યા સુધી ચાલેલી આ બબાલમાં પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલામાં છ જેટલા આરોપીઓને પકડયા બાદ મોડી રાત્રે મુકત કરી દીધા હતા, જેથી સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો અને સ્થાનિકોએ ફરી આજે એલિસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે હલ્લો મચાવ્યો હતો. સ્થાનિક રહીશોએ જોરદાર સૂત્રોચ્ચાર કરી આરોપીઓને સખત સજા કરવા અને હોસ્ટેલ બંધ કરાવવાની ઉગ્ર માંગણીઓ કરી હતી.

(7:43 pm IST)