Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સાંથણીની જમીન અને સુપ્રિમ કોર્ટ દ્વારા અેટ્રોસીટી અેકટ મુદ્દે સાણંદના નાની દેવતી ગામમાં ગુરૂવારે દલીતોનું મહાસંમેલન

અમદાવાદ: સાંથણીની જમીન અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટ મામલે આપેલા ચુકાદાને લઇને દલિતો દ્વારા ગુરુવારના રોજ એક સંમેલન બોલાવવામાં આવ્યું છે. આ સંમેલન સાંણદ પાસે આવેલા નાની દેવતી ગામના દલિત શક્તિ કેન્દ્ર ખાતે મળશે.

આયોજકોના જણાવ્યાં અનુસાર ભૂમિહીન લોકોને જમીન આપવાના વાયદા સરકાર કરે છે પણ એવું બહાનું કાઢે છે કે જમીન દબાણમાં છે માટે આપી શકાતી નથી. ગુજરાતના ઈતિહાસમાં ગોલાણા, ઉના કે દુદખા જેવા અસંખ્ય કેસોમાં દલિતો પર અત્યાચાર થાય અથવા દલિતો પોતાનો જીવ ગુમાવે પછી જ તેમને હકની જમીન મળે છે. લોકોને જમીન મેળવવા પોતાના જીવ ખોવાની પ્રેરણા જાણે સરકાર પોતે આપે છે. ગરીબોને જમીન આપવાની નીતિ પણ સ્પષ્ટ છે. પણ સરકારની ઇચ્છાશક્તિનો અભાવ છે. સરકાર ઉદ્યોગોને જમીન પધરાવી રહી છે. સરકારની આવી બેધારી નીતિને કારણે દલિતો અને આદિવાસી પર અત્યાચારો વધ્યા છે. ત્રીજા ભાગના અત્યાચારનાં મૂળમાં જમીનનું કારણ છે. આઝાદીને ૭૦ વર્ષના વહાણાં વહી ગયા. હવે દલિતો, આદિવાસીઓ કે જમીનવિહોણા ગરીબોએ કેટલાં વર્ષ વધુ રાહ જોવાની? કાગળ ઉપર સરકાર ગરીબોને જમીન આપવાની વાત કરે છે પણ આવાં વચન આપતી વખતે તેના પગ જમીન પર હોતા નથી.".

આ સંમેલનના આયોજકોએ એવો દાવો કર્યો છે કે, "સરકારે દલિતોને કાગળ ઉપર જમીન જરૂર આપી છે પણ સ્થળ ઉપર કબજો સોપ્યો નથી. સ્થળ ઉપર દલિતોની જમીન ઉપર અન્ય લોકોનું દબાણ છે. દલિતો-આદિવાસી પાસે કબજો નથી તો પણ શરતભંગ કરી જમીન ખાલસા કરી દીધી છે. સરકારી પડતર જમીન દબાણ હટાવવાની જવાબદારી ગ્રામ પંચાયતો પર નાખી રાજ્ય સરકાર માને છે કે એનું કામ થઇ ગયું. સ્થાનિક ગામનું રાજકારણ ગમે તે ભોગે દલિતોની જમીન ખાલસા કરાવવામાં રસ લે છે. જમીનને લગતા કાનૂની કેસો ત્રણ કે ચાર દાયકા થયા હોવા છતાં નિકાલ પામતા નથી. ટૂંકમાં, દલિત-આદિવાસીના જમીનના જે પણ પ્રશ્નો છે તે સરકારની નીતિનો અમલ ન થવાને કારણે ઉભા થયા છે".

દલિતોએ માંગણી મૂકી છે કે, "જ્યાં સુધી દલિતોના જમીનના સંપૂર્ણ પ્રશ્નો ન ઉકલે ત્યાં સુધી સરકાર દલિત-આદિવાસીની જમીનમાં શરતભંગ ન કરે. ગંભીર અત્યાચારના કેસોમાં પીડિતોને જમીન આપવાની કાયદાકીય જોગવાઈનો અમલ કરે. વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસીને આપવા પાત્ર જમીન તાત્કાલિક આપવામાં આવે. સરકાર દ્વારા રિસર્વે થયું તે દરમિયાન લોકોની ઘટેલી જમીન, બદલાયેલ સર્વે નંબર જેવી અસંગતિઓ સરકાર પોતાના ખર્ચે તાત્કાલિક ધોરણે પૂરી કરે".

(7:24 pm IST)