Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

અેમબીઅે, બીસીઅે, બીઅેડ, અેમઅેસસી થયેલા યુવક-યુવતીઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે

અમદાવાદ: જુદી જુદી ઉચ્‍ચ ડિગ્રીઓ ધરાવનાર યુવક-યુવતીઓ પોલીસ સ્‍ટેશનના લોકરક્ષક દળમાં ફરજ બજાવી રહયા છે.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લોક રક્ષક દળ(LRD)માં તાજેતરમાં નિયુક્ત થયેલા હરેશ વિઠ્ઠલ પાસે MBAની ડિગ્રી છે. માત્ર તેમની પાસે જ નહીં, અન્ય એક મહિલા કોન્સ્ટેબલ પણ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે, જેમને તાજેતરમાં ટ્રાન્સફર મળ્યું છે. આ સિવાય પોલીસ સ્ટેશનમાં અન્ય પાંચ લોક રક્ષક દળના જવાનો છે જે BCA, BA, BED, PGDCA અને MSC જેવી ડિગ્રી ધરાવે છે.

ગુજરાત પોલીસના ડેટા અનુસાર, 2017માં LRD તરીકે સિલેક્ટ કરવામાં આવેલા ઉમેદવારોમાંથી લગભગ 1000 જેટલા પ્રોફેશનલ ડિગ્રી ધરાવે છે. અહીં ખાસ વાત એ છે કે આ પદ માટે જરુરી લાયકાત 12 પાસ જ છે. LRDsને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પર હાયર કરવામાં આવે છે, ત્યાર પછી તેમને રેગ્યુલર કોન્સ્ટેબલની ક્લાસ 3ની પોસ્ટ આપવામાં આવે છે.

2017ના લોક રક્ષક દળની ભરતીના ચેરમેન અને વડોદરા રેન્જના IGP જી.એસ.મલિક જણાવે છે કે, સિલેક્ટ કરવામાં આવેલા 17532 LRDના જવાનોમાંથી 50 ટકાથી વધારે ગ્રેજ્યુએટ અથવા પોસ્ટગ્રેજ્યુએટ છે.

MBAની ડિગ્રી ધરાવતા LRDના એક જવાન કહે છે કે, મેં સબ-ઈન્સ્પેક્ટર અને LRD બન્નેની પરીક્ષા આપી હતી, પરંતુ LRDમાં મારું સિલેક્શન થયું. હું અન્ય કોમ્પિટિટીવ પરીક્ષાઓની તૈયારી પણ કરી રહ્યો છુ માટે મેં આ જોબ સ્વીકારી લીધી. FIR લખવી, કમ્પ્યુટર ઓપરેશન જેવા કામ અમને નથી સોંપવામાં આવતા. મોટાભાગનો સમય અમે બંદોબસ્ત દરમિયાન રોડ પર ડ્યુટી કરતા હોઈએ છીએ.

ગુજરાત યૂનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અસોસિએટ પ્રોફેસર ગૌરાંગ જાનીએ જણાવ્યું કે, પ્રાઈવેટ સેક્ટરમાં સારા પગારની નોકરીઓની તંગી છે. ઉચ્ચ અભ્યાસ કરી ચુકેલા યુવાનો સિક્યોર જોબ ઈચ્છે છે, પછી ભલે તેમની જોબ પ્રોફાઈલ અથવા સૅલરી ઓછી હોય.

(7:18 pm IST)