Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

અમદાવાદ પોલીસનું ઓપરેશન મુસ્કાન સફળઃ ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી ૫૦ હજારમાં વેચનાર ટોળકી ઝડપાઇ

સરદારનગર પોલીસને સફળતાઃ જોધપુરમાં બળજબરીથી લગ્ન કરી દેવાયા હતાઃ પોલીસે જોધપુરમાં ઓપરેશન પાર પાડયું: જોધપુરમાં અમદાવાદ પોલીસ પર પથ્થરમારોઃ આરોપી ટોળકીમાં બે મહિલાનો સમાવેશઃ ગયા વર્ષે ઘટના બની હતી

રાજકોટ તા.૧૭ : અમદાવાદની સરદારનગર પોલીસે બે મહિલા સહિત ૪ આરોપીને પકડી પાડી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી તેણીને રાજસ્થાનના જોધપુરમાં ૫૦ હજારમાં વેચી નાખવાના કોૈભાંડનો પર્દાફાશ કર્યો છે. આ સગીરાને ચાંદીનું કડુ અપાવી ફોસલાવી જોધપુર લઇ જઇ રાજુ ઢોલી નામના યુવક સાથે પૈસા લઇને બળજબરીથી લગ્ન કરી દેવાયાનું પણ ખુલવા પામ્યું છે.

આ ઘટના બાદ સરદારનગર પોલીસે ઓપરેશન મુસ્કાન હાથ ધર્યુ હતું. અને અપહરણ કરાયેલ કિશોરીની ખોજ મળતા પોલીસ જોધપુર પહોચી હતી, અને લગ્ન કરનારા સહિત બે મહિલા મળી કુલ ૪ની ઘરપકડ કરી સગીરાને હેમખેમ છોડાવી હતી. સરદારનગર પોલીસના જણાવ્યાં અનુસાર, ઓપરેશન મુસ્કાન દરમિયાન બાતમી મળી હતી કે, વિસ્તારમાંથી ગત વર્ષે એક સગીરાનું અપહરણ થયું હતું. પરિવારમાં એક પિતા અને બે દિકરીઓ હતી. જે પૈકી નાની દિકરી બીમાર થતા તેને સિવિલ ખસેડાઇ ત્યારે તેની ૧૪ વર્ષની મોટી બહેન ઘરે એકલી હતી. કમનસીબે નાની બહેનનું હોસ્પિટલમાં અવસાન થયું અને પિતા અંતિમ વિધિમાં હોસ્પિટલ રોકાઇ રહ્યાં. પિતા ઘરે આવ્યા ત્યારે મોટી દિકરી પણ ગુમ હતી. આ દરમિયાન બે-ત્રણ દિવસ પહેલા પોલીસને માહિતી મળી કે, ચાર વર્ષ પહેલા ગુમ કિશોરી હાલ જોધપુરમાં છે. પોલીસે બાતમીના આધારે કિશોરીના ઘરે પહોંચી ગઇ અને તેનેતથા તેની સાથે લગ્ન કરનારા રાજુ ઢોલી નામના શખ્સની ઘરપકડ કરી હતી. રાજુ ઢોલીની પૂછપરછ આધારે તેણે મોહન કાણીયો, મોના લુહાર અને પિંકી નામની મહિલાના નામ આપ્યા હતા. જેમણે કિશોરીને ૫૦ હજારમાં વેચી હતી. પોલીસે આ ત્રણેયની ઘરપકડ કરતા આરોપીઓએ કિશોરીને એકલી જોઇ તેનું ઘરેથી અપહરણ કરી તેને રાજસ્થાન લઇ ગયા હતા. જયાં રાજુ ઢોલીને ૫૦ હજારમાં વેચી તેના લગ્ન કરાવ્યાં હતા. પોલીસે ચારેય આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી હતી.

પોલીસે કિશોરીને ઘરમાંથી શોધી કાઢી અને તેના પતિને પકડીને ખાનગી કારમાં બેસાડયો ત્યારે ગ્રામજનોએ પોલીસને ઘેરી લીધી હતી. અને પોલીસ ટીમ પર પથ્થર મારો કર્યો હતો. જો કે, પોલીસ ટોળા વચ્ચેથી આરોપી અને કિશોરીને હેમખેમ અમદાવાદ લઇ આવવામાં સફળ રહી હતી.(૧.૫)

(11:31 am IST)