Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સુરતના પાંડેસરા વિસ્‍તારમાંથી ૧૧ વર્ષની મૃત બાળકીના શરીર પર ૮૬ ઘા થયા છે તેની પોલીસ તપાસમાં હજુ સુધી પોલીસને કંઇ નક્કર પુરાવા મળ્‍યા નથી : પોલીસે પોસ્‍ટર દ્વારા બાળકીના વાલી-વારસની શોધ માટે રૂા.૨૦,૦૦૦ના ઇનામની જાહેરાત પણ કરી છે

સુરત :  સમગ્ર દેશભરમાં નાના બાળકો અને ખાસ કરીને બાળકીઓ પર વધેલા અત્‍યાચારો સામે દેશભરમાં આક્રોશ જોવા મળે છે.

 ત્યારે 6 એપ્રિલે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી 11 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો તે અંગે પોલીસ તેજ તપાસ કરી રહી છે, 10 દિવસથી વધુ સમય વિતિ ગયો છતાં હજુ સુધી આ કેસમાં કોઈ પગેરું મળ્યું નથી કે બાળકીના માતા-પિતા કે સગા અંગે પણ કોઈ માહિતી મળી નથી. અજાણી બાળકી લાશ અંગે પોલીસની તપાસ વચ્ચે સુરત પોલીસ કમિશનરે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને તપાસ અંગેની અને બાળકીના પરિવારને શોધવાની તપાસ અંગે વાત કરી. તો બાળકી ક્યાંની છે તે માટે પણ સઘન તપાસ કરાઈ રહી હોવાનું કમિશનર સતિષ શર્માએ જણાવ્યું છે.

પાંડેસરા વિસ્તારમાંથી મળેલી બાળકીના શરીર પર 86 ઘાના નિશાન છે અને તે ઘટના બન્યાના 1થી 7 દિવસ જૂના છે, આના પરથી સ્પષ્ટ થાય છે કે બાળકી સાથે બળાત્કાર બાદ તેની નિર્મમ રીતે હત્યા કરાઈ છે. ડૉક્ટરોએ કરેલી તપાસના આધારે આ બાળકીનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું પોલીસ જણાવી રહી છે. શહેર કમિશનર સતિષ શર્માએ જણાવ્યું કે, બાળકીના હત્યારાઓને શોધવા માટે તપાસ કરાઈ રહી છે પણ તેના પહેલા તેની ઓળખ થાય તે જરુરી છે, આના માટે શહેરમાં 1200 પોસ્ટર લગાવવામાં આવ્યા છે, અને બાળકી ગુજરાત બહારની હોવાનું માનીને ગુજરાત બહાર જતી ટ્રેનો પર પણ બાળકીના પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાનું શર્માએ જણાવ્યું હતું.

બાળકીની લાશ પાંડેસરાના વિસ્તારમાંથી મળેલી લાશ વાળી જગ્યા પર તપાસ કરતા કોઈ પગેરું મળ્યું નથી અને પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે બાળકીની હત્યા અન્યત્ર કરીને તેની લાશ અહીં અવાવરું જગ્યા પર ફેંકીને આરોપીઓ ફરાર થઈ ગયા છે. બાળકીની લાશ રાત્રે 11થી સવારના 6-30ની વચ્ચે ફેંકવામાં આવી હોવાની શંકા પણ કમિશનર શર્માએ વ્યક્ત કરી છે. તપાસ માટે અલગ-અલગ રાજ્યોમાં પણ તપાસ તેજ કરાઈ છે જોકે, બાળકી ઓરિસા કે બંગાળની હોવાનું લગવાથી આ રાજ્યોમાં વધારે સઘન તપાસ કરાઈ રહી હોવાનું પોલીસ જણાવી રહી છે. કમિશનરે કહ્યું કે, એક વખત બાળકીની ઓળખ થઈ જાય પછી આરોપીઓને શોધવામાં વધારે મદદ મળી શકે છે. તો આ ઘટનામાં પરિવારના સભ્યોની સંડોવણી હોવાની બાબતે પણ બાળકીની ઓળખ થયા પછી વધુ માહિતી મળી શકે છે તેમ કમિશનરે જણાવ્યું છે.

પોલીસે બાળકીના ઘરવાળાની માહિતી આપનારને 20,000 રુપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે, પણ હજુ સુધી બાળકીના પરિવાર અંગે કોઈ પત્તો મળ્યો નથી. ફોરેન્સીક તપાસમાં બાળકી પર રેપ થયો હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા લોકો સામે પોલીસે આઈપીસીની કલમ અને પોસ્કો હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસે જણાવ્યું કે, પાંડેસરાના રહેવાસી ઓમ પ્રકાશ રાજપૂત તે તેમને 6 એપ્રિલે આ અંગે માહિતી આપી હતી. ઓમ પ્રકાશ તેમની પત્ની અને અન્ય એક પાડોશી સાથે મોર્નિંગ વોક પર નિકળ્યા હતતા તે સમયે તેમણે બાળકીનો મૃતદેહ જોયો. તે સમયે આકસ્મિક મોતનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી ફોરેન્સિક તપાસમાં બાળકી પર રેપ થયો હોવાનો મામલો નોંધાયો.

બાળકીના આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ અને બાળકો સાથે બનતા ગુનાઓમાં ઘટાડો થાય તેવી આશા સાથે સુરતના વરાછાના હીરા બાગ સર્કલથી મીની બજાર સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકી સાથે બનેલી બળાત્કાર અને નિર્મમ હત્યા અંગે લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે અને આજે સાંજે પણ સુરત શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

(4:48 pm IST)