Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

રેપ હોરર : ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન અને આક્રોશ

અપરાધીઓને અતિ કઠોર સજા કરવાની માંગણીઃ કઠુઆ, ઉન્નાવ, સુરતમાં હાલની બળાત્કારની ઘટનાઓને લઈને લોકોમાં નારાજગી : શ્રદ્ધાંજલી, કેન્ડલમાર્ચ યોજાયા

અમદાવાદ,તા.૧૬: દેશના જુદા જુદા ભાગોમાં હાલના દિવસોમાં બળાત્કારના બનેલા બનાવને લઈને નારાજગીનું મોજુ અકબંધ રહ્યું છે. આજે ગુજરાતના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન દોર જારી રહ્યો હતો. અપરાધીઓને અતી કઠોર સજા કરવાની માંગ કરવામાં આવી હતી. કેડલમાર્ચ, શ્રદ્ધાંજલિ કાર્યક્રમો અને સહી ઝુંબેશ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત અને ગુજરાતના અન્ય ભાગોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અને સામાન્ય લોકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં કઠુઆ, ઉત્તર પ્રદેશમાં ઉનાવ, ગુજરાતમાં સુરત જેવા વિસ્તારોમાં હાલમાં બળાત્કારની કમકમાટી ભરી ઘટનાઓ બની રહી છે. આવી સ્થિતિમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે ચાંદખેડા, જમાલપુર, ખોખરા, શાહપુર, દરિયાપુુર વિસ્તારોમાં સ્થાનિક લોકોએ દેખાવો કર્યા હતા. રવિવારના દિવસે દરિયાપુરના ઢાંબગણવાડ વિસ્તારમાં લોકો બહાર નીકળ્યા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કઠુઆમાં આઠ વર્ષીય બાળકી પર બળાત્કાર સામેના વિરોધમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. જમાલપુરમાં સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક મંદિરમાં બાળકીને પકડી રાખીને ઘણા દિવસ સુધી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ઉન્નાવ બળાત્કાર કેસ વિરોધમાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા. પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કેન્ડલમાર્ચ ભાગ લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે યુવતીઓને કરાટે ક્લાસની રજુઆત કરી હતી. કઠુઆ, ઉન્નાવ, સુરતમાં હાલના બનાવને લઈને નારાજગી સતત વધી રહી છે. અપરાધીઓને અતિ કઠોર સજા કરવાની માંગણી દિનપ્રતિદિન પ્રબળ બની રહી છે.

(9:50 pm IST)