Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પારડી તાલુકાના ડુમલાવમાં માતાની હત્યા કર્યા બાદ પુત્રે આપઘાત કરી મોતને વ્હાલું કર્યું

પારડી :તાલુકાના ડુમલાવ ગામે ગઇકાલે પુત્રએ સગી જનેતા પર લાકડા વડે જીવલેણ હુમલો કરી ઢીમ ઢાળી દીધા બાદ પોતે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પંથકમાં ભારે ચકચાર મચી છે. મોડીરાત્રે મોટો પુત્ર ઘરે આવ્યા બાદ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશતા જ નાના ભાઇની ફાંસો ખાધેલી હાલતમાં અને માતાની ઘરના આંગણામાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.

પારડીના ડુમલાવ ગામે  દેસાઇવાડ ખાતે ચીમનભાઇ પટેલનો પરિવાર રહે છે.  ગઇકાલે રાત્રે ચીમનભાઇનો મોટો પુત્ર જતીન પટેલ ખેરલાવ  ગામે રહેતા મામાને ત્યાંથી ઘરે આવ્યો  હતો  અને દરવાજો ખટખટાવતા છતાં કોઇ જવાબ નહીં મળતા પાડોશીને બોલાવી દરવાજો તોડી અંદર પ્રવેશતા નાના ભાઇ વિમલ  (ઉ.વ. ૨૦) ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જ્યારે ઘરમાં માતા લલિતાબેન (ઉ.વ. ૫૨) નહીં દેખાતા તપાસ કરતા મકાનના કમ્પાઉન્ડમાં ઝાડી નજીકથી લોહીલુહાણ હાલતમાં માતાની લાશ મળી આવી હતી.

એક સાથે માતા અને ભાઇની લાશ મળી આવતા જતીન હતપ્રભ બની ગયો હતો. ગામલોકોમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાને પગલે પારડી પોલીસના કાફલાએ ઘટનાસ્થળ પર પહોંચી હાથ ધરેલી  તપાસમાં લોહીવાળું લાકડુ મળી આવ્યું હતું. પોલીસે જતીનનું નિવેદન લીધું હતું. માનસિક રીતે અસ્વસ્થ વિમલે સગી જનેતાની લાકડા વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધા બાદ મકાનમાં છતના લોખંડના એંગલ સાથે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું.

(8:02 pm IST)
  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST

  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST