Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

અમે મત માટે ૧૫ લાખના ખોટા સપના લોકોને નહિ આપીએ : મોદી - ભાજપ લોકોને છેતરે છે

હું ગામડે - ગામડે શહેર - શહેર ફરી ભાજપના જુઠાણાથી લોકોને વાકેફ કરીશઃ કોંગ્રેસમાં કોઇ પણ ભૂમિકા ભજવવા તૈયાર છું : કોંગ્રેસ પસંદ કરવાના અનેક કારણો : હાર્દિક

અમદાવાદ તા. ૧૬ : ૧૨મી માર્ચે કોંગ્રેસમાં જોડાઈ ગયા બાદ હાર્દિકે પહેલીવાર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે એવા લોકો જ તેનો વિરોધ કરી રહ્યા છે કે જે તેના પહેલાથી વિરોધી હતા. હાર્દિકે જણાવ્યું હતું કે, જો હું ભાજપમાં જોડાયો હોત તો હાલ વિરોધ કરનારા શું કરત? હું આખા સમાજને કાયમ માટે રસ્તા પર લઈને ન ફરી શકું, અને છેલ્લા સાડા ત્રણ વર્ષમાં મેં જે કામ કર્યું છે તેમાં જે ખામી રહી ગઈ છે તેને પૂરી કરવા હું કોંગ્રેસ સાથે જોડાયો છું.ભાજપ પર પ્રહારો કરતા હાર્દિકે કહ્યું હતું કે, ભાજપ ચૂંટણી ટાણે લોકોને ગુમરાહ કરે છે. હું ગામડે ગામડે શહેર-શહેર ફરી બીજેપીના જૂઠાણાંનો પર્દાફાશ કરીશ, હાર્દિકે બીજેપી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે અમે મત માટે ૧૫ લાખના ખોટા સપના લોકોને બતાવીશું નહી. મોદી અને ભાજપ લોકોને છેતરે છે.કોંગ્રેસમાં કઈ પણ ભૂમિકા ભજવવા હું તૈયાર છું.

હું ભાજપથી ખરીદાયો નહીં એટલે મને કોંગ્રેસનો એજન્ટ ગણાવાઈ રહ્યો છે. હાર્દિકે કહ્યું હતું કે, મારી સામે ભાજપ અને કોંગ્રેસ એમ બે જે ઓપ્શન હતા, તેમાંથી મેં કોંગ્રેસની પસંદગી એટલા માટે કરી છે કારણકે મને આ પાર્ટીમાં કંઈક દેખાઈ રહ્યું છે

રાહુલ ગાંધી અને મનમોહન સિંહ સામે અપપ્રચાર કરવાનો ભાજપ પર આક્ષેપ કરતા હાર્દિકે કહ્યું હતું કે, જો હું ભાજપમાં જોડાયો હોત તો દેશભકત થઈ ગયો હોત અને કોંગ્રેસમાં જોડાયો એટલે મને એજન્ટ કહેવાઈ રહ્યો છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જે ખામીઓ છે તે ભરવાનો અમે પૂરો પ્રયાસ કરીશું.

પોતાને કોંગ્રેસનો એજન્ટ ગણાવનારાને જવાબ આપતા હાર્દિકે જણાવ્યું હતું કે, તેને ભાજપમાંથી ૧૨૦૦ કરોડ રુપિયાની ઓફર હતી, તેની સામે ચાલી રહેલા રાજદ્રોહ સહિતના કેસો પાછા ખેંચી લેવાની પણ ખાતરી આપવામાં આવી હતી, અને સારું પદ પણ આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાંય તેણે ભાજપમાં જોડાવાને બદલે કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું છે.

હાર્દિકે કહ્યું હતું કે, તેની સામે રાજદ્રોહ સહિતના ૨૪ કેસો ચાલી રહ્યા છે, તે ચૂંટણી લડશે કે કેમ તે અંગેનો કેસ પણ હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે તો પછી હું કોંગ્રેસનો એજન્ટ કઈ રીતે થઈ ગયો? તેણે જણાવ્યું હતું કે, મારે જે કામ કરવું છે, જે મુદ્દાઓનું સમાધાન લાવવું છે તેના માટે રાજકીય પ્લેટફોર્મની જરુર હતી. હું કયાં સુધી સમાજને કે યુવાનોને લઈને રસ્તાઓ પર ફરે રાખું?(૨૧.૨૧)

(3:49 pm IST)