Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સીનીયર સીટીઝનને ઘૂંટણની સારવાર માટે ખર્ચ અપાવાયો

અમદાવાદ એડિ.ગ્રાહક તકરાર નિવારણનો ચુકાદોઃ ફરિયાદીને ૬૪,૫૩૫ વાર્ષિક ૯ ટકા વ્યાજની સાથે ચૂકવી આપવા માટે નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીને ફરમાન કરાયો

અમદાવાદ,તા. ૧૭:      શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા સિનિયર સીટીઝનને ઘૂંટણની સર્જરી કરાવવા સહિતની સારવાર પેટે મેડિકલેઇમ પોલિસીમાં દાવાના ખર્ચની રકમ નામંજૂર કરવાના નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીના વલણ સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ તરફથી કરાયેલી ફરિયાદમાં અમદાવાદ શહેર એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે એક મહત્વના ચુકાદામાં મારફતે ફરિયાદી સીનીયર સીટીઝનને ફરિયાદ તારીખ તા.૧૫-૫-૨૦૧૪થી રૂ.૬૪,૫૩૫ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીને ફરમાન કર્યું હતું. ફોરમે ફરિયાદીને આ કાનૂની કાર્યવાહીના ખર્ચના રૂ.પાંચ હજાર અલગથી ચૂકવી આપવા પણ વીમાકંપનીને તાકીદ કરી હતી. ગ્રાહક ફોરમના આ ચુકાદાને પગલે મેડિકલેઇમ પોલિસી લીધા બાદ પણ સારવારનો ખર્ચ ચૂકવવામાં ગલ્લાં તલ્લાં કરનારી વીમાકંપનીઓના જવાબદારીમાંથી છટકવાના વર્તન સામે ફરિયાદી ગ્રાહકોને ઘણો લાભ થશે એમ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ફોરમના ચુકાદાને આવકારતાં જણાવ્યું હતું. આ કેસની વિગત એવી છે કે, શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝન ક્રિશ્નકાંત એ.શાહ રૂ.બે લાખની નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીની મેડિકલેઇમ પોલિસી ધરાવતા હતા. આ પોલિસી ચાલુ હતી તે દરમ્યાન તેમણે ક્રિશ્ના શેલ્બી હોસ્પિટલમાં જમણા પગના ઘૂંટણની સર્જરી અને સારવાર કરાવી હતી, જેનો રૂ.૧.૭૯ લાખ ખર્ચો થયો હતો. બાદમાં ક્રિશ્નકાંતભાઇએ નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીમાં પોતાનો દાવો  મૂકયો હતો પરંતુ તે દાવો કંપનીએ એવા ગ્રાઉન્ડ પર નકારી કાઢયો હતો કે, ફરિયાદીએ જે શિવકૃપા પેટપેઢી લિ. પાસેથી મેડિકલેઇમ પોલિસી ઉતરાવી હતી, તેણે ઘણી હકીકતો છુપાવી હતી અને ગેરરીતિઓ આચરી હતી અને તેથી વીમાધારકની પોલિસી જ કેન્સલ થવાને પાત્ર છે. વીમા કંપનીના આ વલણથી નારાજ થઇ ફરિયાદી ગ્રાહક તરફથી અમદાવાદ શહેર એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં ફરિયાદીનો કોઇ વાંક જ નથી, ફરિયાદી તો ઇન્શ્યોર્ડ દર્દી છે કારણ કે, સર્જરી-સારવાર દરમ્યાન પોલિસી ચાલુ હતી. વળી, જે એજન્સીએ ગ્રુપ મેડિકલેઇમ પોલિસી ઉતારી છે, તે એજન્સી તો નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીએ જ અધિકૃત કરેલી છે, તો તેમાં ફરિયાદી ગ્રાહકનો વાંક કેવી રીતે ગણી શકાય. વીમા કંપની દાવાની રકમ આપવાનો ઇન્કાર કરી શકે નહી કારણ કે, તે ફરિયાદી ગ્રાહકનો કલેઇમ ચૂકવવા જવાબદાર છે.

સમિતિના પ્રમુખ મુકેશ પરીખની આ દલીલો ગ્રાહ્ય રાખી ફોરમે ઉપરોકત મહત્વનો ચુકાદો જાહેર કરતાં ઠરાવ્યું હતું કે, વીમા કંપનીએ ફરિયાદી ગ્રાહકનું પ્રીમીયમ સ્વીકાર્યું છે અને ગ્રુપ પોલિસી સભ્યો માટેની પણ ઇશ્યુ કરી છે. વળી, ફરિયાદીએ કલેઇમ કર્યો ત્યારે સર્જરી વખતે પોલિસીની વેલિડિટી ચાલુ હતી આ સંજોગોમાં વીમા કંપની ફરિયાદીનો કલેઇમ ચૂકવવા જવાબદાર ઠરે છે. પ્રસ્તુત કેસમાં વીમા કંપનીની સેવામાં ખામી અને અનુચિત વેપારી નીતિ અખત્યાર કર્યાનું જણાય છે.

(9:59 pm IST)