Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

વિદ્યાપીઠ નજીક ક્રુર હત્યામાં વપરાયેલુ બાઇક મળી આવ્યું

હજુ હત્યારાઓ પોલીસના સંકજાથી દૂરઃ પોલીસના બાઇકના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન : હત્યાના એક દિન પહેલા બાઈક ચોરાઈ હતી

અમદાવાદ,તા. ૧૭:    શહેરના આશ્રમરોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસેના પોશ એરિયામાં જાહેરમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા એક આંગડિયા પેઢીના કર્મચારીઓ દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે ગુનામાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલુ એક બાઇક મેઘાણીનગર વિસ્તારમાંથી કબ્જે કર્યું છે. પોલીસ તપાસમાં એ હકીકત પણ સામે આવી હતી કે, બનાવના એક દિવસ પહેલાં જ આ બાઇક ચાંદખેડા વિસ્તારમાંથી ચોરી થયું હતું. જો કે, હજુ સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. પોલીસે તપાસમાં પ્રાપ્ત થયેલી કડીઓ અને ઇનપુટ્સના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગઇકાલે શહેરની રતનપોળમાં આવેલી પટેલ અંબાલાલ હરગોવિંદદાસ આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી અરવિંદભાઇ પટેલ(ઉ.વ.૫૦) વહેલી સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ આંગડિયાનો થેલો લઇ મહેસાણા-પાલનપુર જવા માટે નીકળ્યા હતા ત્યારે આશ્રમરોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસે મહેસાણા-પાલનપુર જવાના એસટી બસ સ્ટેન્ડ નજીક ઉભા હતા. અરવિંદભાઇ એસટી બસની રાહ જોઇને ઉભા હતા ત્યારે અચાનક જ બે બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા ચાર અજાણ્યા શખ્સોએ પહેલા હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી અરવિંદભાઇ પાસેથી થેલો ઝુંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અરવિંદભાઇએ હાથમાં થેલો છોડયો ન હતો, તેથી ઉશ્કેરાયેલા લૂંટારુ શખ્સોએ તેમની પાસેના રિવોલ્વર જેવા હથિયારમાંથી તેમના પર પોઇન્ટ બ્લેન્ક રેજન્થી ફાયરીંગ કર્યું હતું. એક પછી એક એમ ત્રણ ગોળીઓ ધરબાઇ જતાં અરવિંદભાઇ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડયા હતા અને લુંટારાઓ રૂ.૫.૧૦ની રોકડ ભરેલો થેલો ઝુંટવી નાસી છૂટયા હતા. જાહેરમાં ધોળેદહાડે લૂંટ, ફાયરીંગ અને મર્ડરની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત સનસનાટી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં વાડજ પોલીસ, ક્રાઇમબ્રાંચના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર બનાવ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે સીસીટીવી ફુટેજ અને ઘટના નજરે જોનાર સાહેદોના નિવેદનોના આધારે સમગ્ર મામલાની સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં આજે પોલીસને તપાસ દરમ્યાન ચાંદખેડા નજીકથી ઉપરોકત ગુનામાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલુ બાઇક મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યુ હતું કે, આ બાઇક બનાવના એક દિવસ પહેલાં જ મેઘાણીનગર વિસ્તારમાંથી ચોરાયું હતું. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કરેલી તપાસમાં એવી પણ વાત સામે આવી રહી છે કે, આરોપીઓ આવ્યા હતા બાઇક પર પણ કારમાં જતા રહ્યા હોવાની પણ આશંકા છે, તેથી પોલીસે તે બાબતની ખરાઇ કરી એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

(8:29 pm IST)