Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગાંધીનગરમા મોબાઇલનો ઉપયોગ કરીને રાજકોટની યુવતિના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ૧.૭૫ લાખની ખરીદી કરી લીધી

ગાંધીનગરઃ મોબાઇલનો ઉપયોગ કરીને  છેતરપીંડીની ઘટનાથી ગાંધીનગરમાં ચકચાર જાગી છે

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગરના સે-૩/એ પ્લોટ નં.૧૦૧/૧માં રહેતી અને મુળ રાજકોટની યુવતિ મોનિકા રમેશભાઈ આહીર ગાંધીનગર નજીક આવેલા બાયસેગમાં ટેકનીકલ આસિ. તરીકે નોકરી કરે છે. તેણીનું સે-૧૬માં આવેલી એક્સિસ બેંકમાં એકાઉન્ટ છે. આ બેંકમાં આઉટ સોર્સીંગ તરીકે કામ કરતાં સાગર બારોટ નામના વ્યક્તિએ બેંકનું ક્રેડિટ કાર્ડ લેવા માટે ઓફર કરી હતી. જેથી મોનિકાએ ક્રેડિટ કાર્ડ લેવા માટે સહી કરતાં તેના રાજકોટના સરનામે બે ક્રેડિટ કાર્ડ પહોંચ્યા હતા.

આ ક્રેડિટ કાર્ડમાં વાર્ષિક ર૩૦૦ રૃપિયાનો ચાર્જ ભરવાનો હોવાથી તેણીએ તે પરત આપી દેવાનું નક્કી કર્યું હતું અને આ અંગે સાગર બારોટને જાણ કરી હતી. જેથી ગાંધીનગરના તેના મકાન ઉપર બેંકનો કર્મચારી સાગર બારોટ પહોંચ્યો હતો જ્યા યુવતિએ ક્રેડિટ કાર્ડ રદ કરવાના ફોર્મમાં સહી કરી બન્ને કાર્ડ પરત આપી દીધા હતા. જેથી સાગરે આ બન્ને ક્રેડિટ કાર્ડ બેંકમાં જમા કરાવ્યા નહોતા અને મોનિકાની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિનો નંબર ક્રેડિટ કાર્ડમાં નંખાવી તબક્કાવાર દોઢ લાખ રૃપિયાના આર્થિક વ્યવહાર ક્રેડિટ કાર્ડ મારફતે કરી લીધા હતા.

બેંક દ્વારા આ યુવતિને કુલ ૧.૭પ લાખ ભરવાનું સ્ટેટમેન્ટ આપતાં યુવતિ પણ ચોંકી ઉઠી હતી. જેથી આ સંદર્ભે તેણે બેંકના કર્મચારીએ છેતરી હોવાનો અહેસાસ થતાં તેણે સે-૭ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.

(8:17 pm IST)