Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

વાડજ : યુવકની ક્રુર હત્યાના કેસમાં ત્રણની ધરપકડ કરાઈ

યુવકના પરિવારજનો-સ્થાનિક રહીશોએ પોલીસ સ્ટેશને મુખ્ય આરોપીની ધરપકડની માંગણીની સાથે દેખાવો કર્યા

અમદાવાદ,તા. ૧૭: શહેરના વાડજ વિસ્તારમાં આજે પાણીના ઝઘડામાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જો કે, હજુ આ ગુનામાં મુખ્ય આરોપી ધીરૂ ભરવાડ ફરાર હોઇ મૃતક યુવકના પરિવારજનો અને સ્થાનિક રહીશો દ્વારા સ્થાનિક માથાભારે શખ્સ ધીરૂ ભરવાડની તાત્કાલિક ધરપકડ કરવા અને તમામ આરોપીઓને સખતમાં સખત સજા આપી તેઓને ન્યાય આપવાની ઉગ્ર માંગણી સાથે પોલીસ મથકની બહાર જ જોરદાર દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજયા હતા. લોકોનો આક્રોશ જોઇને પોલીસે પણ તેઓને ન્યાયની હૈયાધારણ આપી હતી.  આ અંગેની વિગતો એવી છે કે, શહેરના વાડજ વિસ્તારમાં ગણેશનગરના છાપરા પાછળ આવેલા ખેતરમાં પાણીનો પ્રવાહ બંધ કરવાની બાબતે ભરત શેનમા અને તેના મોટાભાઇ સાથે ધીરૂ ભરવાડ અને તેના માણસોની  છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલતી હતી. તાજેતરમાં પંદર દિવસ પહેલા પણ બંને પક્ષે ઝઘડો અને તકરાર થયા હતા પરંતુ બાદમાં સમાધાન કરાવાયું હતું. જો કે, ફરી પાણીનો પ્રવાહ બંધ કરવાની બાબતે જૂની તકરાર તાજી થઇ હતી. ભરત શેનમાને તેના મોટાભાઇ જમવાનું આપવા આવ્યા ત્યારે ખેતરના  માલિક ધીરૂ ભરવાડ અને તેના માણસોએ આંતર્યો હતો અને તેની પર છરીના ઘા મારી હુમલો કર્યો હતો. ભરત શેનમાએ પોતાના મોટાભાઇને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગંભીર ઇજાઓ થવાના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયા હતા. બીજીબાજુ, હત્યારાઓ ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તેનું કરૂણ મોત નીપજયુ હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક રહીશો અને મહિલાઓએ છાજિયા લઇ પોલીસ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો અને આરોપીઓને તાત્કાલિક પકડી સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી કરી હતી. વાડજ પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગઇકાલે એક આરોપીની ઓળખ કરી તેની અટકાયત કરી લીધી હતી અને તેના આધારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે આજે આ કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જો કે, હજુ પણ મુખ્ય આરોપી ધીરૂ ભરવાડ ફરાર હોઇ પોલીસે તેને પકડવાની દિશામાં તપાસ જારી રાખી છે. જો કે, મુખ્ય આરોપી ફરાર હોઇ તેને તાત્કાલિક પકડી તમામ આરોપીઓને સખતમાં સખત સજા કરવાની માંગણી સાથે મૃતકના પરિવારજનો અને સ્થાનિક રહીશોએ આજે વાડજ પોલીસમથકની બહાર જ ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજયા હતા.  સ્થાનિકોનો આક્રોશ જોઇ પોલીસે પણ તેમને ન્યાય આપવાની હૈયાધારણ આપી હતી.

(7:51 pm IST)