Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

૨૦૧૯ સુધીમાં નર્મદા કેનાલનું અધુરૂ કામ પુર્ણ કરી દેવાશેઃ નિતીન પટેલની જાહેરાત

ગાંધીનગર: નર્મદા ડિપાર્ટમેન્ટની માંગો પર કોંગ્રેસના ધારાસભ્યએ પુછેલા સવાલ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જવાબ આપતાં જણાવ્યું કે, 2019 સુધીમાં નર્મદા કેનાલનું અધુરું કામ સમાપ્ત કરી દેવામાં આવશે.

નર્મદા ડિપાર્ટમેન્ટ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય વીરજી ઠુમરે કહ્યું કે, ચૂંટણી પહેલા ભાજપ સરકારે ખેડૂતોને અનેક વચનો કર્યા હતા, પરંતુ ચૂંટણી પછી તેમણે ખેડૂતોને પાણી આપવાનું અટકાવી દીધું. ગુજરાતમાં 60 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે.

MLA વીરજી ઠુમરે આગળ જણાવ્યું કે, નર્મદાના પાણીથી અન્ય ડેમ ભરવા માટે 6671 કરોડ રુપિયાનો ખર્ચ કર્યા પછી પણ મોટાભાગના ડેમમાં સાવ ઓછું પાણી છે. ભાજપ સરકારે ચોમાસામાં બીજા ડેમ ભરીને અને સાબરમતી રિવરફ્રંટ પર સી-પ્લેન ઉડાવીને પાણી વેડફ્યું છે. સરકારે નર્મદાના પાણીનો ઉપયોગ લોકોના ઉપયોગ માટે નહીં પણ પાર્ટીના રાજકીય લાભ માટે કર્યો છે.

કોંગ્રેસના આરોપો પર નીતિન પટેલે જણાવ્યું કે, હું ગૃહમાં વચન આપુ છું કે અમારી સરકાર 2019 પહેલા કેનાલ નેટવર્કનું અધુરું કામ સમાપ્ત કરી દેશે. કેનાલ નેટવર્કનું લગભગ 52,231 કિલોમીટરનું કામ સમાપ્ત થઈ ગયું છે અને 10,532 કિલોમીટરનું કામ ચાલી રહ્યું છે. અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનની વાત કરીએ તો 21,841 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે જેનાથી સિંચાઈની ક્ષમતા 8 લાખ હેકટર્સ સુધી વધી ગઈ છે.

નીતિન પટેલે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ 65 ટકા કામ સમાપ્ત થઈ ગયું છે. ઓકટોબર, 2018 સુધીમાં બાકીનું કામ પણ પૂરું થઈ જશે.

(6:52 pm IST)