Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમદાવાદના હાટ્કેશ્વરમાં ગાયની ચોરી કરી કતલખાને લઇ જતા ઈસમને પોલીસે રંગે હાથે દબોચ્યો

અમદાવાદ:ગૌમાંસ પર પ્રતિબંધ હોવા છતાંય કસાઇ ચોરી છુપી ગાયની ચોરી કરીને તેનું ગૌમાંસ બજારમાં વેચી રહ્યા હોવાની અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ત્યારે ગઇકાલે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ગાયની ચોરી કરીને તેની કતલ કરવા માટે લઇ જનાર એક કસાઇની પોલીસે ધરપકડ કરી છે.

ખોખરા વિસ્તારમાં રહેતા સુરેન્દ્રરામ નગીના યાદવે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં વસીમ ઇબ્રાહીમ કુરેશી વિરુદ્ધમાં ગાય ચોરીની ફરિયાદ કરી છે. ગઇ કાલે વહેલી પરોઢે સુરેન્દ્રરામની ગાયને ચોરી કરવા માટે વસીમ આવ્યો હતો. વસીમ ગાયના પગ બાંધીને વાહનમાં લઇ જવાની તૈયારી કરતો હતો ત્યારે સ્થાનિકોએ તેને રંગે હાથ પકડી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો.

અમરાઇવાડી પોલીસે વસીમની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી જેમાં તે આ ગાય ચોરી કરીને કતલખાને લઇ જતો હોવાની કબુલાત કરી હતી. અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.એમ.દેસાઇએ જણાવ્યું કે વસીમ એક કસાઇની દુકાનમાં કામ કરે છે અને ગાયની ચોરી કરીને તેના માલિકને વેચી મારે છે. હાલ તેની પૂછપરછ ચાલુ છે.

(6:26 pm IST)