Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

રાજ્ય સરકારે ફાળવેલા નાણાનું યોગ્ય વ્યવસ્થાપન કરોઃ ભૂપેન્દ્રસિંહ

વિકાસકામોનું ફોલોઅપ લ્યોઃ પાણી અંગે લોકોને તકલીફ નહિ પડેઃ લોકોના પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવોઃ અધિકારીઓને ટકોરઃ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ટકોરઃ અનેક ભૂલો છે પણ હવે પુનરાવર્તન ન થવું જોઇએઃ બેદરકારી હવે નહી ચલાવાય

રાજકોટ તા. ૧૭ : રાજયના શિક્ષણમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજયસરકારે વિવિધ માધ્યમો થકી  લોક-સુખાકારી માટે ફાળવેલા નાણાંનું યોગ્ય  વ્યવસ્થાપન થાય તે ખૂબ જરૂરી છે.

 

શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા આયોજનમંડળની બેઠક યોજાઇ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, નાની-મોટી માનવીય ભૂલો થઇ શકે, પરંતુ આવી ભૂલોનું પુનાવર્તન અક્ષમ્ય છે. જેમાં થયેલ બેદરકારી કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.

આયોજન મંડળ સમક્ષ મંજૂરી અર્થે રજૂ થયેલા વિકાસકામોનું નિયત સમયે ફોલો-અપ લેવા તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી, જેથી લોકોને સમયસર સુવિધા ઉપલબ્ધ  કરાવી શકાય. નજીકના ભવિષ્યમાં ઉપસ્થિત થનારા પાણી પ્રશ્ને રાજયસરકાર ખુલ્લા મને કામગીરી કરવા પ્રતિબધ્ધ છે, જેથી જાહેર જનતાને પાણી પ્રશ્ને કોઇ પણ પ્રકારની અગવડ નહીં પડે તેમ મંત્રીશ્રી ચુડાસમાએ ખાત્રીપૂર્વક જણાવ્યું  હતું.

જિલ્લાને સ્પર્શતા વિકાસના કામો સીધા જ મંત્રીશ્રીને મોકલવા પણ તેમણે જણાવ્યું હતું. અને સ્થળ-મુલાકાત લઇ લોકપ્રશ્નોનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ  લાવવા ઉપસ્થિતોને ટકોર કરી હતી. જે વિકાસકામો સરકારી યોજનાના નિયત ધારા-ધોરણો મુજબ ન થઇ શકતા હોય તે પ્રશ્નો પ્રત્યે વ્યવહારૂ અભિગમ  અપનાવી વિકાસકામોની પૂર્તિ સત્વરે કરવા પણ તેમણે સૂચના આપી હતી.

મંત્રી જયેશભાઇ રાદડિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. જિલ્લા આયોજન અધિકારી વી.બી.સુહાગીયાએ બેઠકના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.ટી.પંડયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી અને લાખાભાઇ સાગઠિયા, જિલ્લા પંચયત પ્રમુખશ્રી નીલેશભાઇ વિરાણી વગેરેનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી આવકાર્યા હતા. શ્રી સુહાગીયાએ મંત્રી સમક્ષ ગત બેઠકની કાર્યવાહી નોંધ રજૂ કરી હતી, જેને મંત્રીશ્રી તથા અન્ય સભ્યોએ બહાલી આપી હતી. આ વર્ષની તમામ કાર્યસૂચિ શ્રી  સુહાગીયાએ પ્રભારી મંત્રી સમક્ષ ક્રમબધ્ધ રજૂ કરી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના પંચાયત પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, નિરક્ષકો, અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા. કલેકટર ડો. વિક્રાંત પાંડેએ બેઠકના અંતે આભારદર્શન કર્યું હતું.(૨૧.૨૪)

(4:15 pm IST)