Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગુજરાત માટે રાહતના વહેણઃ નર્મદા ડેમમાં પાણીની સપાટીના ઘટાડાને બ્રેક, હવે સપાટી વધવાના એંધાણ

મધ્યપ્રદેશે વીજ ઉત્પાદન માટે ઇંદિરાસાગરમાંથી વધુ પાણી છોડવાનું શરૂ કરતા ગુજરાતને અણધાર્યો લાભઃ દરરોજ ડેમમાં જળસપાટી ૨૦ થી ૨૫ સે.મી. ઘટતી હતી તેના બદલે છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૫ સે.મી. સપાટી ઘટીઃ આજે સવારની કુલ સપાટી ૧૦૫.૪૫ મીટરઃ મધ્યપ્રદેશ તરફથી પાણીની આવક વધતા સપાટી ઉંચી આવવાના સંજોગો

રાજકોટ, તા. ૧૭ :. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના આધારિત સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો થતા ગુજરાત માટે ચિંતાની સ્થિતિ સર્જાયેલ પરંતુ હવે ઉપરવાસથી વધુ પાણી છોડાવાના કારણે નર્મદા ડેમની સપાટી ઘટવામાં જોરદાર બ્રેક લાગી છે. જો મધ્યપ્રદેશ તરફથી ધારણા મુજબ પાણીની આવક ચાલુ રહેશે તો નર્મદા ડેમની સપાટી ઘટવાની જગ્યાએ વધવા લાગશે જેનો સીધો ફાયદો ગુજરાતને મળશે (નર્મદાની સપાટી ૫ થી ૨૦ ફુટ સુધી વધી શકે છે.)

 

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી નર્મદા ડેમની જળ સપાટી ઉતરોતર ઘટી રહી છે. એક તબક્કે ઘટાડાનું પ્રમાણ દરરોજનું ૨૦ થી ૨૫ સે.મી. જેટલુ થઈ ગયેલ. જે સરેરાશ દર કલાકનો ૧ સે.મી.નો ઘટાડો ગણાય પરંતુ મધ્યપ્રદેશ સરકારે વીજ ઉત્પાદન વધારવા માટે ઈન્દીરાનગર ડેમમાંથી વધુ પાણી છોડવાનું શરૂ કરતા ગુજરાતમાં પુર સ્વરૂપે નર્મદા ડેમમાં આવક વધી છે જેના કારણે નર્મદા ડેમની સપાટી ઘટવાનું પ્રમાણ એકદમ ધીમુ પડી ગયું છે. છેલ્લા ર૪ કલાકમાં માત્ર પ સે.મી. પાણી જ ઘટયું છે. આજે સવારે નર્મદા ડેમની સપાટી ૧૦પ.૪પ મીટરે પહોંચી છે. ઉનાળાને ધ્યાને રાખીને વીજ ઉત્પાદન વધારવા મધ્યપ્રદેશ વધુ પાણી છોડે તેવા અણસાર છે. જો ધારણા મુજબ જ પાણી આવે તો નર્મદા ડેમની અત્યારે ઘટતી સપાટીમાં વધારો થતો જોવા મળશે. નર્મદા ડેમમાં વગર ચોમાસે પાણીની આવક થાય અને હાલની સપાટી કરતા જળસપાટી વધે તો ગુજરાતને  ઉનાળા હેમખેમ પાર કરાવવામાં મોટી રાહત મળશે. પીવાના પાણીનું વધુ વિતરણ કરી શકાશે અને પાણીનો સ્ટોક પણ રાખી શકાશે. નર્મદા યોજના સાથેના સબંધિત રાજયના કારણે ગુજરાતને પાણીનો અણધાર્યો લાભ થવાનો માર્ગ ખૂલી રહ્યો છે.(૨-૨૧)

(4:14 pm IST)