Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જંગ જામ્યો :કોંગ્રેસની બહુમતી છતાં ભાજપે ફોર્મ ભરાતા ગરમાવો

ભાજપમાંથી પ્રમુખ પદ માટે 3 અને ઉપપ્રમુખ માટે 2 ફોર્મ રજૂ કરાયા :66 બેઠકોમાંથી 36 બેઠકો કોંગ્રેસ અને 30 બેઠકો ભાજપના ફાળે

 બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો જંગ જામ્યો છે જિલ્લા પંચાયતની ચૂંટણીમા પ્રજાએ બહુમત કોંગ્રેસને આપ્યો છે ત્યારે તોડજોડના રાજકારણમાં જિલ્લા પંચાયતમાં કોણ મેદાન મારી જાય છે તેના પર સૌની નજર છે.

બનાસકાંઠાની જિલ્લા પંચાયતની 66 બેઠકોમાંથી 36 બેઠકો કોંગ્રેસ અને 30 બેઠકો ભાજપના ફાળે આવી છે. જોકે જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પહેલા ભાજપમાંથી પ્રમુખ પદ માટે 3 અને ઉપપ્રમુખ માટે 2 ફોર્મ રજૂ કરાયા છે. જ્યારે કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે 2 અને ઉપપ્રમુખ પદ માટે 1 ફોર્મ રજૂ કરાયુ છે.

  અગાઉ જિલ્લા પંચાયતની ગત ટર્મમાં સત્તા બહુમતી કોંગ્રેસ પાસે હોવા છત્તા કોંગ્રેસના સભ્યોએ બળવો કરીને કોંગ્રેસના મૂખે આવેલો સત્તાનો કોળિયો છીનવી લીધો હતો. જેથી આ ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ જ સાવચેતી રાખી રહી છે. જોકે ભાજપ પાસે 30 સભ્યોની સંખ્યા બળ છે પરંતુ ભાજપ કોઈ પણ ભોગે સત્તા મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. એટલે જ આત્મવિશ્વાસ સાથે ભાજપના ઉમેદવારે પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યુ છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ કોને મળે છે તેના પર સ્થાનિકોની નજર છે. જોકે સાથે એ પણ નજરમા રહેશે કે કોણ પક્ષને વફાદાર રહે છે અને કોણ પક્ષના આદેશથી વિપરીત મતદાન કરે છે.

(12:28 pm IST)