Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગુજરાતી ભાષાને વધુ સરળ બનાવવા: નિયમોમાં કેટલાક ફેરફાર કરવા માટે ચિંતન

સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી લેખનશુદ્ધિ અને ભાષાકૌશલ્ય શિબિરનું આયોજન કરાયું

 

અમદાવાદ: રાજ્ય સરકાર ગુજરાતી ભાષાને શિક્ષણમાં ફરજિયાત કરવા માટે ભાષા નીતિ બનાવાવા જઈ રહી છે ત્યારે  ગુજરાતી નથી જાણતા તેવા લોકો માટે ભાષાને વધુ સરળ બનાવવા માટે ભાષાના નિયમો વધુ સરળ બનાવવા તેમજ તેમાં કેટલાક ફેરફાર કરવા માટે સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી લેખનશુદ્ધિ અને ભાષાકૌશલ્ય શિબિરનું આયોજન કરાયું હતું. .

  કે.કા. શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલી આ શિબિરમાં ડૉ.ઊર્મિ દેસાઇ, ડૉ બાબુ સુથાર,ડૉ.અરવિંદ ભંડારી,ડૉ. હેમંત દવે,ડૉ અજયસિંહ ચૌહાણ, હર્ષવર્ધન ત્રિવેદી, ઉમાકાંત રાજ્યગુરુ,વજેસિંગ પારગી તેમજ અજિત મકવાણાએ ' અને 'ના પ્રયોગ, લેખન કૌશલ્યની સમસ્યાઓ, ગુજરાતી ભાષા સંર્દભે અનુસ્વાર, ગુજરાતીમાં અંગ્રેજી શબ્દોના પ્રયોગની પદ્ધતિ, ગુજરાતી ભાષાની સાંપ્રત સ્થિતિ, ગુજરાતીમાં શૈલી માર્ગદર્શિકાનું મહત્વ, ગુજરાતી જોડણી અને લેખનશુદ્ધિ, ગુજરાતી ભાષાલેખનના પાયાના પ્રશ્નો તેમજ ગુજરાતી પ્રૂફવાંચનમાં સમસ્યા અને સમાધાન અંગે વાત કરી હતી. આ ચર્ચા પરથી મળેલાં તારણો અંગે ભાષા નીતિ અંતર્ગત પુસ્તિકા બનશે, તેની શાળા અને કોલેજોને જાણ થશે, તેમજ સરકારને પણ મોકલવામાં આવશે..

  ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે, ‘આપણે ત્યાં અનેક બોલીઓ છે, ત્યારે લખાય છે, તે શિષ્ટ ભાષાને વધુ અસરકારક કેમ કરવી તે આ શિબિરનો હેતુ છે. જો સરકાર ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવી રહી હોય તો, તે વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે જરૂરી છે. ત્યારે અલગ અલગ લોકો માટે અલગ સ્તરની ભાષાની જરૂર છે. વહીવટીતંત્રમાં પ્રચલિત ગુજરાતીની પણ અનેક મુશ્કેલીઓ છે. માતૃભાષાના પ્રચાર અને પ્રસાર માટે થઇ રહેલી વિવિધ પ્રવૃત્તિઓમાંનું આ એક ચરણ છે.'

(9:33 am IST)